Featured|ગુજરાતગુજરાત

આજે જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ ગુજરાતમાં જામશે ચૂંટણીનો રંગ

આજે જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ ગુજરાતમાં જામશે ચૂંટણીનો રંગ

લોકસભાની આવનારી ચૂંટણીઓ માટે આજથી સમગ્ર ગુજરાતમાં માહોલ બરોબરનો જામશે. આમ તો ગુજરાતના બંને મુખ્ય પક્ષો ભારતીય જનતા પાર્ટીએ 26માંથી મોટાભાગની બેઠકો પર યા તો ઉમેદવારોના નામોની ઘોષણા કરી દીધી છે અથવાતો કઈ બેઠક પર કોણ લડશે તેનું નામ નક્કી કરી લીધું છે. પરંતુ આજે ગુજરાતની તમામ બેઠકો માટે ચૂંટણી પંચ નોટિફિકેશન બહાર પાડશે જેની સાથે આજે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પણ શરુ થઇ જશે.

દેશના 25 વર્ષથી મોટા કોઇપણ નાગરિકને ચૂંટણી લડવાનો અધિકાર પ્રાપ્ત છે, પરંતુ તે માટે પણ ચૂંટણી પંચના અમુક નિયમો છે. આ નિયમો અનુસાર કોઇપણ વ્યક્તિ પૂર્વમંજુરી વગર ચૂંટણી પંચે નક્કી કરેલી જગ્યાએ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા પહોંચી શકતો નથી. ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીની ઓફિસમાં ઉમેદવાર સહીત વધુમાં વધુ પાંચ લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે.

આ ઉપરાંત જ્યારે ઉમેદવાર ફોર્મ ભરવા આવે ત્યારે ચૂંટણી અધિકારીની કચેરીના 100મીટરના દાયરામાં ઉમેદવાર તેમજ તેના ટેકેદારોના વધુમાં વધુ ત્રણ વાહનો જ પાર્ક કરવા દેવામાં આવે છે. આ નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે ચૂંટણી પંચે નાયબ પોલીસ અધિકારીઓને પોતાના નોડલ અધિકારી તરીકે નિમણૂંક કર્યા હોય છે.

આજથી ગુજરાતની તમામ 26 બેઠકો પર ઉમેદવારી પત્ર ભરી શકાશે અને આ પ્રક્રિયા 4 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ દરમ્યાન કોઇપણ દિવસે એટલેકે રવિવાર અને જાહેર રજાઓના દિવસ સિવાય ઉમેદવાર પોતાનું ઉમેદવારી પત્ર ભરી શકશે. 5 એપ્રિલે ઉમેદવારી પત્ર પરત લેવાની અંતિમ તારીખ છે જ્યારે 6 એપ્રિલે ચૂંટણી પંચ ઉમેદવારી પત્રોની ચકાસણી કરશે.