Featured|ગુજરાતગુજરાત

હાઇકોર્ટે ફગાવી ભગવાન બારડની અરજી, નહી લડી શકે ચૂંટણી

કોંગ્રેસ મુશ્કેલીમાં: ભગવાન બારડ ગુનેગાર સાબિત, ધારાસભ્ય પદ ગુમાવ્યું

એક તરફ ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડને ખનીજ ચોરી કેસમાં કોર્ટે દોષી ગણાવીને બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારી હતી. જેને લઇને વિધાનસભા અધ્યક્ષે ભગવાન બારડને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કર્યા હતા. આ તમામ બાબતોને લઇને ભગવાન બારડે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. અને આજ રોજ હાઇકોર્ટે ભગવાન બારડે કરેલી પીટીશન ફગાવી દીધી છે.

વિધાનસભાના અધ્યક્ષે જ્યારે ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના નેતૃત્ત્વ હેઠળ કોંગ્રેસના બધા ધારાસભ્યોએ રાજ્યપાલને આવેદન આપ્યું હતું અને રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી હતી કે, વિધાનસભાના અધ્યક્ષે ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો કોઈ અધિકાર નથી. સાથે જ વિધાનસભાના અધ્યક્ષે જે પ્રકારે ભગવાન બારડને સસ્પેન્ડ કરી દીધા છે તેને લઈને તેઓએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.

ભગવાન બારડે કરેલી પિટિશનનો આજે ચુકાદો હતો. જેમાં હાઈકોર્ટે ભગવાન બારડની અરજી ફગાવી છે. અને તેની સાથે હાઇકોર્ટે ભગવાન બારડને 2500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટમાં આવેલા ચુકાદાના કારણે હવે ભગવાન બારડ ચૂંટણી નહી લડી શકે. ત્યારે તલાલા વિધાનસભા બેઠક પર કોગ્રેસને મોટો ફટકો લાગ્યો છે તેમ કહી શકાય.