Featured|દેશદેશ

અરુણાચલ પ્રદેશ: મતદાન અગાઉ જ ભાજપની વિજયયાત્રાનો પ્રારંભ

અરુણાચલ પ્રદેશ: મતદાન અગાઉ જ ભાજપની વિજયયાત્રાનો પ્રારંભ

હજી તો દેશભરમાં લોકસભાની અને વિવિધ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ માટે મતદાન શરુ પણ નથી થયું કે ભારતીય જનતા પાર્ટીએ તેનું ખાતું ખોલાવી દીધું છે. અરુણાચલ પ્રદેશ વિધાનસભાની બેઠકો પર લોકસભા સાથે જ ચૂંટણીઓ આયોજિત થઇ છે અને ત્યાં અત્યારથી જ ભાજપે બે બેઠકો જીતી લીધી છે કારણકે આ બેઠકો પર ભાજપ સામે એક પણ ઉમેદવારે ઉમેદવારી નહોતી કરી!

ભાજપના સચિવ અને ઉત્તરપૂર્વનો હવાલો સંભાળતા રામ માધવે જણાવ્યું હતું કે ભાજપ અરુણાચલ પ્રદેશમાં બે વિધાનસભા બેઠકો બિનહરીફ જીતી ચૂકી છે. રામ માધવના જણાવ્યા અનુસાર આલો ઇસ્ટ બેઠક પરથી ભાજપના સર કેન્ટો જીની અને યાચુલી બેઠક પરથી એન્જીનીયર તાબા તેદીર સામે એક પણ ઉમેદવારે ઉમેદવારી પત્ર ન ભરતા તેઓ બિનહરીફ ચૂંટાઈ જશે.

અરુણાચલ પ્રદેશ લોકસભાની બેઠક સાથે જ 11 એપ્રિલે પોતાની નવી વિધાનસભા માટે મતદાન કરવાનું છે. જો કે ચૂંટણી પંચ દ્વારા આ બંને બેઠકો પર પરિણામની આધિકારિક ઘોષણા કરવાની હજી બાકી છે કારણકે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની તારીખ 28 માર્ચ છે. ભલે એક જ ઉમેદવારી પત્ર ભરાયું હોય પરંતુ ચૂંટણી પંચે નિયમાનુસાર આગળ વધવાનું હોય છે.

જો કે  અહીં એ નોંધનીય છે કે બિનહરીફ ચૂંટણી એ અરુણાચલ પ્રદેશ માટે નવી વાત નથી. અગાઉ 2004માં પણ કોંગ્રેસે અહીં 11 વિધાનસભા બેઠકો બિનહરીફ જીતી લીધી હતી.