Featured|દેશદેશ

ઔરંગાબાદ: કોંગ્રેસની ટીકીટ ન મળી તો નેતાજીએ ખુરશીઓ ઘરભેગી કરી

ઔરંગાબાદ: કોંગ્રેસની ટીકીટ ન મળી તો નેતાજીએ ખુરશીઓ ઘરભેગી કરી

દેશભરમાં લોકસભાની ચૂંટણીઓનો માહોલ ધીરેધીરે જામી રહ્યો છે. તમામ મોટા પક્ષોએ લગભગ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો નક્કી કરી લીધા છે. જેમને ટીકીટ મળી છે તે ખુશ છે અને જેમને નથી મળી તેઓ શોકગ્રસ્ત છે અથવાતો ગુસ્સામાં છે. જે લોકો ગુસ્સામાં છે તેમાંથી અમુક તો એવી હરકતો કરી રહ્યા છે કે આપણને હસવું આવી જાય.

મહારાષ્ટ્રના ઔરંગાબાદથી કોંગ્રેસના વિધાનસભ્ય અબ્દુલ સત્તારને લોકસભા માટે કોંગ્રેસની ટીકીટ જોઈતી હતી. પરંતુ કોંગ્રેસે તેમને ટીકીટ ન આપતા સુભાષ ઝંબાડને ટીકીટ આપી દીધી. આ જોઇને અબ્દુલ સત્તાર એટલા તો ગુસ્સે થયા કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું તો આપી જ દીધું પરંતુ ઔરંગાબાદ કોંગ્રેસ કાર્યાલયની 300 ખુરશીઓ પણ ઘરે લઇ ગયા!! પરિણામે ઔરંગાબાદ કોંગ્રેસે સુભાષ ઝંબાડ માટે કાર્યકર્તાઓની જે બેઠક કાર્યાલયમાં બોલાવી હતી તેને રદ્દ કરીને માર્કસવાદી પાર્ટીના કાર્યાલયમાં આયોજિત કરવી પડી.

અબ્દુલ સત્તારને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આ બધી ખુરશીઓ તેમની માલિકીની હતી. જ્યારે તેમણે કોંગ્રેસ જ છોડી દીધી છે ત્યારે તેઓ એ ખુરશીઓ કોંગ્રેસ કાર્યાલયમાં કેમ રહેવા દે?

ઔરંગાબાદમાં આમ પણ કોંગ્રેસનો આંતરિક વિખવાદ બહાર આવી ગયો છે. થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવાણનો એક ઓડિયો વાયરલ થયો હતો જેમાં તેમણે મુકુલ વાસનિક વિરુદ્ધ બળાપો કાઢતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર કોંગ્રેસમાં તેમનું સાંભળનાર કોઈજ નથી અને મુકુલ વાસનિક જ બધું નક્કી કરે છે.

અહીં મજાની વાત એ છે કે અબ્દુલ સત્તારને અશોક ચવાણના જૂથના ગણવામાં આવે છે આથી મુકુલ વાસનિક જૂથના તેમજ મહારાષ્ટ્ર કોંગ્રેસના અન્ય નેતાઓ એવું કહી રહ્યા છે કે અબ્દુલ સત્તાર અશોક ચવાણના ઈશારે આ બધું કરી રહ્યા છે.