Featured|દેશદેશ

અલગતાવાદી યાસીન મલિક અને JKLFના વળતા પાણી

અલગતાવાદી યાસીન મલિક અને JKLFના વળતા પાણી

કેન્દ્ર સરકારે અલગાવવાદી નેતા અને હુર્રિયત કોન્ફરન્સના નેતાઓમાંથી એક એવા યાસીન મલિકના સંગઠન જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) પર પ્રતિબંધ મૂકી દીધો છે. JKLF પર આ પ્રતિબંધ રાજ્યમાં દેશવિરોધી પ્રવૃત્તિઓ ચલાવવા માટે મૂક્યો છે. આટલું જ નહીં એક અન્ય હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાની પર ઇન્ફોર્સમેન્ટ વિભાગે રૂ. 14.4 લાખની પેનલ્ટી પણ લગાવી છે. EDએ ગિલાની પાસેથી 10,000 અમેરિકન ડોલર્સ પકડ્યા હતા જેનો કોઈજ હિસાબ ગિલાની પાસે ન હતો.

JKLF પર મૂકેલા પ્રતિબંધ અંગે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આંતકવાદ સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિને અનુસરીને આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અગાઉ પણ ક્રેન્દ્ર સરકારે એક અન્ય અલગતાવાદી સંસ્થા જમાત એ ઇસ્લામી પર પ્રતિબંધ મુક્યો હતો. જમાત એ ઇસ્લામી એ આતંકવાદીઓને સમર્થન કરતું હતું જે કાશ્મીરને ભારતથી અલગ કરવા માંગે છે.

યાસીન મલિક 1988થી જમ્મુ અને કાશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે અને તેના પર પૂર્વ ગૃહમંત્રી અને જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂકેલા મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબિયાનું અપહરણ કરવાનો પણ આરોપ છે. તે સમયની વી પી સિંગની સરકારે રૂબિયાને છોડાવવા માટે બે આતંકવાદીઓ ને મુક્ત કરવા પડ્યા હતા.

યાસીન મલિકને હાલમાં જમ્મુની કોટ બાલવાર જેલમાં કેદ રાખવામાં આવ્યો છે.