Featured|દેશદેશ

રાહુલ લોકોને ચાંદ તારા દેખાડે છે: રાજીવ કુમાર

રાહુલ લોકોને ચાંદ તારા દેખાડે છે: રાજીવ કુમાર

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું છે કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પાંચ કરોડ ગરીબ પરિવારોને જે લઘુતમ આવક ગેરંટી હેઠળ વાર્ષિક 72 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે તે જો લાગુ પાડવામાં આવે તો દેશનું અર્થતંત્ર પડી ભાંગશે. રાજીવ કુમારે એમ પણ ઉમેર્યું હતું કે આ યોજના લોકોને કામ ન કરવાની પણ  પ્રેરણા આપશે. રાજીવ કુમારના કહેવા અનુસાર આ કોંગ્રેસનો જૂનો દાવ છે અને ચૂંટણી જીતવા માટે તે કશું પણ કરી શકે છે.

રાજીવ કુમારે કહ્યું કે, “કોંગ્રેસનો જૂનો રેકોર્ડ તપાસીએ તો ખ્યાલ આવે છે કે ચૂંટણી જીતવા માટે તે ચાંદ તારા લઇ આવવા જેવા વાયદા કરતી હોય છે. કોંગ્રેસ અધ્યક્ષે જે જાહેરાત કરી છે તેનાથી રાજકોષીય અનુશાસન ખતમ થઇ જશે અને કામ ન કરીને પણ પૈસા કમાવવાનું ખોટું પ્રોત્સાહન પૂરું પાડશે.

રાજીવ કુમારે ભય વ્યક્ત કર્યો હતો કે જો કોંગ્રેસની સરકાર બનશે અને આ યોજના અમલમાં મુકાશે તો રાજકોષીય ખાધ અત્યારના 3 ટકાથી વધીને બમણી થઇ જશે. એટલુંજ નહીં વિવિધ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ જેણે હાલમાં જ ભારતનું રેટિંગ સુધાર્યું હતું તે ફરીથી તેને ડાઉનગ્રેડ કરી દેશે જેને લીધે દેશમાં વિદેશી રોકાણ પર જબરદસ્ત નકારાત્મક અસર પડશે.