Featured|દેશદેશ

મારા પિતાની જેમ જ મોદીએ રાષ્ટ્રનું સન્માન વધાર્યું: સુનિલ શાસ્ત્રી

મારા પિતાની જેમ જ મોદીએ રાષ્ટ્રનું સન્માન વધાર્યું: સુનિલ શાસ્ત્રી

ગઈકાલે એક સમારોહમાં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ તાશ્કંદ ફાઈલ્સના ટ્રેલરનું લોન્ચ થયું હતું. આ પ્રસંગે ફિલ્મના કલાકારો સાથે પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી, જેમના નિધન અંગે આ ફિલ્મ છે, તેમના પુત્ર સુનિલ શાસ્ત્રી પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સુનિલ શાસ્ત્રીએ પત્રકારોના તમામ સવાલોના ખુલ્લા દિલે જવાબ પણ આપ્યા હતા.

એક સવાલના જવાબમાં સુનીલ શાસ્ત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યું હતું કે જે રીતે મારા પિતાએ ભારતનું નામ ગર્વથી ઊંચું કર્યું હતું તેવી જ રીતે વડાપ્રધાન મોદી અત્યારે દેશનું નામ ગર્વથી ઊંચું કરી રહ્યા છે.

આ પ્રસંગે સુનિલ શાસ્ત્રીએ લાલબહાદુર શાસ્ત્રીથી જોડાયેલો એક મજેદાર પ્રસંગ કહ્યો હતો. સુનીલ શાસ્ત્રીએ કહ્યું કે જ્યારે લાલબહાદુર શાસ્ત્રી તાશ્કંદમાં પાકિસ્તાનના અય્યુબ ખાન સાથે શાંતિ કરાર કરવા માટે તૈયાર થઇ રહ્યા હતા ત્યારે કોઈએ તેમનું ધ્યાન દોરતા કહ્યું હતું કે અય્યુબ ખાન તેમનાથી ખુબ ઊંચા છે. ત્યારે લાલબહાદુર શાસ્ત્રીએ પોતાની હાજરજવાબીનો પરિચય આપતા કહ્યું હતું કે, ઉંચાઈ વધુ હોવાને લીધે અય્યુબ ખાનને નીચે વળીને મારી સાથે વાત કરવી પડશે જ્યારે મારું મસ્તક સદાય ઊંચું રહેશે.

લાલબહાદુર શાસ્ત્રીના તાશ્કંદ કરાર કર્યાના તુરંત બાદ થયેલા અવસાન અંગે સુનીલ શાસ્ત્રીએ કહ્યું હતું કે શાસ્ત્રીજીના અંગત ડોક્ટર તેમજ તેમના એક આસિસ્ટન્ટનું આકસ્મિક મૃત્યુ થાય તે સંયોગ માત્ર ન હોઈ શકે. તેમાં પણ આસિસ્ટન્ટનો તો અગાઉ બે વખત અક્સ્માત પણ થયો હતો. સુનીલ શાસ્ત્રીએ આશા વ્યક્ત કરી હતી કે તાશ્કંદ ફાઈલ્સ ફિલ્મ શાસ્ત્રીજીના અકાળ અવસાન પાછળ છુપાયેલા રહસ્યો પરથી પડદો ઉઠાવશે.

અગાઉ પણ સુનીલ શાસ્ત્રી કહી ચૂક્યા છે કે નરેન્દ્ર મોદીને સમગ્ર દેશમાં પોતાના પિતાની જેમ જ પ્રેમ અને માન-સન્માન મળે છે.