Uncategorized

VIDEO: અમદાવાદના પ્રહલાદ નગર ગાર્ડનમાં જોવા મળ્યો હાર્દિક વિરુદ્ધ સ્વયંભુ વિરોધ

જીતુ વાઘાણીના હાર્દિક પર પ્રહાર, કહ્યુ- કોંગ્રેસના પીઠ્ઠુંઓને જવાબ આપવા જરૂરી નથી

રાજકારણમાં ન જોડાવાનું કહીને કોંગ્રેસમાં જોડાઈ જનાર હાર્દિક પટેલ સામે હવે ગુજરાતીઓ સ્વયંભુ વિરોધ નોંધાવી રહ્યા છે. ધૂળેટીના દિવસે જામનગરમાં હાર્દિકનો જે રીતે વિરોધ કરવામાં આવ્યો અને તેને ત્યાંથી ખાલી હાથે પરત વળવું પડ્યું ત્યારબાદ અમદાવાદના પ્રહલાદ નગર ગાર્ડનમાં પણ ત્યાં વોક માટે આવેલા લોકોએ હાર્દિકને જોતાની સાથે જ તેનો વિરોધ કર્યો હતો. આ ઘટનાનો એક વિડીયો પણ ખાસ્સો વાયરલ થયો છે.

વિડીયો જોતાં એવું લાગે છે કે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર પર કોઈ ટીવી ન્યૂઝ ચેનલ પ્રહલાદ નગર ગાર્ડનમાં કાર્યક્રમ શૂટ કરી રહી હતી અને ત્યારે જ ત્યાં વોક અને જોગીંગ કરતા સ્થાનિકોનું ધ્યાન પડ્યું હતું અને હાર્દિક પટેલનો વિરોધ તેમણે ચાલુ કરી દીધો હતો. આ લોકોનો હાર્દિક વિરોધ બે મુદ્દે હતો. એક તો તેણે કન્હૈયા કુમાર અને શહેલા રશીદ જેવા તત્વોને આપેલું સમર્થન અને બીજું રાજકારણમાં ન જોડાવાનું વચન આપ્યા બાદ તેમાંથી ફરી જવું.

સ્થાનિકોમાંથી ઘણા લોકોએ હાર્દિક સાથે ચર્ચામાં ઉતરીને તેને કહ્યું હતું કે તે સરકારનો કે કોઇપણ વ્યક્તિનો વિરોધ કરે તેમાં કોઈને પણ વાંધો ન હોઈ શકે, પરંતુ તે દેશવિરોધી વલણ ધરાવતા લોકો એટલેકે કન્હૈયા કુમાર અને શેહલા રશીદ જેવા લોકોની બાજુમાં જઈને બેસે તે બિલકુલ ચલાવી ન લેવાય. તો એક વ્યક્તિએ જ્યારે રાજકારણમાં તે નહીં જોડાય તેમ છતાં તે કોંગ્રેસમાં જોડાયો તે મુદ્દો ઉઠાવ્યો ત્યારે હાર્દિક બેશરમીથી એવું કહેતા જોવા મળે છે કે, “હા એવું કહેવા છતાં મેં કોંગ્રેસ જોઈન કરી લીધી!”

ટૂંકમાં કહીએ તો હાર્દિક પટેલને એ અંગે જરા પણ ફરક નથી પડતો કે તે દેશવિરોધી તત્વો સાથે બેસે છે કે પછી તે પોતાના વચનમાંથી ફરી ગયો છે. પરંતુ પ્રજા જાગૃત છે. આ જ વિડીયોમાં એક વ્યક્તિ એવું સ્પષ્ટ કહેતો સાંભળવા  મળે છે કે લોકો ચૂંટણીમાં હાર્દિકને બરોબર જોઈ લેશે. જેનો મતલબ એક જ છે કે લોકો હાર્દિક જ્યાં પણ ઉભો રહેશે અથવાતો જેનું પણ સમર્થન કરશે તેને લોકો હરાવશે.

આમ હાર્દિક પટેલ જો અંગત સ્વાર્થ ખાતર લોકોની ભાવનાઓ સાથે રમત રમીને પોતે સાફ નીકળી જશે એવું વિચારતો હોય તો તે ખોટું સમજે છે. જામનગર અને અમદાવાદની ઘટના સ્પષ્ટ કરે છે કે તેનો ચહેરો હવે પ્રજા સમક્ષ ખુલ્લો પડી ગયો છે અને હવે તે જ્યાં જાય છે ત્યાં પ્રજા તેનો સામનો કરીને તેને સત્યના બે શબ્દો કહેતા અચકાતી નથી.

આવનારા દિવસો હાર્દિક પટેલ માટે ખુબ કઠીન છે એમ જરૂરથી કહી શકાય.