Featured|દેશદેશ

સુપ્રિમ કોર્ટે ટ્રિપલ તલાક વિરુદ્ધની અરજી ફગાવી દીધી

સુપ્રિમ કોર્ટે ટ્રિપલ તલાક વિરુદ્ધની અરજી ફગાવી દીધી

મુસ્લિમ મહિલાઓને તુરંત અને એકસાથે ત્રણ વખત આપવામાં આવતા તલાક એટલેકે ટ્રિપલ તલાક વિરુદ્ધની એક અરજીને આજે સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સરકારે આ અંગે વટહુકમ બહાર પાડ્યો હતો અને ટ્રિપલ તલાક એટલેકે તલાક એ બીદત ને કાયદેસરનો ગુનો ઠરાવ્યો હતો. ત્યારબાદ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં વિપક્ષોની બહુમતિ હોવાને લીધે કાયદો પસાર ન થઇ શકતા ફેબ્રુઆરીમાં સરકાર ફરીથી ટ્રિપલ તલાક વિરુદ્ધ વટહુકમ લાવી હતી.

સરકારના આ તાજા વટહુકમ વિરુદ્ધ કેરળની સમસ્ત કેરળ જમીયત ઉલેમાએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરતા દલીલ કરી હતી કે સરકાર આ મામલે એક વર્ષમાં ત્રીજી વખત વટહુકમ લાવી હોવાથી તેને રદ્દ કરવામાં આવે. આ ઉપરાંત અમુક સંસ્થાઓએ ટ્રિપલ તલાકને અંગત વિષય ગણાવીને પણ આ વટહુકમ પર પ્રતિબંધ મુકવાનું સુપ્રિમ કોર્ટને કહ્યું હતું.

પરંતુ, આજે જ્યારે આ મામલો સુપ્રિમ કોર્ટ સમક્ષ આવ્યો હતો ત્યારે ચિફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં રચવામાં આવેલી ખંડપીઠે આ અરજી ફગાવી દેતા કહ્યું હતું કે કોર્ટ આ મામલે હસ્તક્ષેપ કરવા માંગતી નથી.