Featured|દેશFeatured|ગુજરાતગુજરાતદેશ

સરદારે કાશ્મીર સમસ્યાનું નિરાકરણ લાવી દીધું હોત: પૂર્વ કોંગ્રેસી નેતા

સરદારે કાશ્મીર સમસ્યાનું નિરાકરણ લાવી દીધું હોત: પૂર્વ કોંગ્રેસી નેતા

પૂર્વ કોંગ્રેસી નેતા અને ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના પ્રમુખ મનીન્દરજીત સિંગ બિટ્ટા હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે સરદાર સરોવર ખાતે આવ્યા હતા. પોતાની મુલાકાત દરમ્યાન તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અહીંની વ્યવસ્થા જોઇને સંતોષ વ્યક્ત કર્યો હતો. પત્રકારો સાથે વાત કરતા બિટ્ટા એ જણાવ્યું હતું કે દરેક ભારતીય એ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયેલો ઈતિહાસ જરૂર વાંચવો જોઈએ અને અહીં આવીને તે સમજવો પણ જોઈએ.

બિટ્ટાએ આગળ ઉમેર્યું હતું કે ભારતના લોકોએ તેમને ભણાવવામાં આવેલા ઈતિહાસ ઉપરાંત જો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવનો ઈતિહાસ પણ ભણ્યો હોત તો આજે દેશની હાલત છે તેના કરતા ઘણી બહેતર હોત. સ્ટેચ્યુ ઓફ યુનિટીની જરૂરિયાત અને તેના પર કરવામાં આવેલા ખર્ચ અંગે સરકારને સવાલ ઉઠાવનારાઓની બિટ્ટાએ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

સરદાર પટેલના દેશની આઝાદી અને ત્યારબાદની સરકારમાં રહેલા પ્રદાનને યાદ કરતા મનીન્દરજીત સિંગ બિટ્ટાએ કહ્યું હતું કે જો કાશ્મીર સમસ્યાનો ઉકેલ સરદારને એકલે હાથે ઉકેલવાની છૂટ આપી દેવામાં આવી હોત તો આજે પુલવામા ન થાત અને આપણી માતાઓ અને બહેનો વિધવા ન થાત.

બિટ્ટાએ કહ્યું છે કે વર્ષોથી ડરીને રહેતા ભારતથી વિરુદ્ધ આ ન્યૂ ઇન્ડિયા છે જે દેશને પરેશાન કરનાર પડોશીના ઘરમાં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઈક કે એરસ્ટ્રાઈક કરે છે.