Featured|ગુજરાતગુજરાત

પાટણમાં કોંગ્રેસને નડી રહી છે અલ્પેશ ઠાકોર નામની મક્ષિકા

પાટણમાં કોંગ્રેસને નડી રહી છે અલ્પેશ ઠાકોર નામની મક્ષિકા

પક્ષ છોડીને ભાજપમાં જોડાતા સભ્યો, નારાજ સભ્યોના પક્ષના પદ પરથી પડતા રાજીનામા અને પક્ષથી ચાલતી વરિષ્ઠ અને નાના કાર્યકર્તાઓ વચ્ચે કોંગ્રેસ માટે આવનારી લોકસભાની ચૂંટણીમાં આકરા ચઢાણ છે તે વિષે કોઈને શંકા ન હોઈ શકે. ઉપર જણાવ્યા એ અનુસારના કારણો ઉપરાંત કોંગ્રેસમાં રહેલા હેવીવેઇટ નેતાઓની ઈચ્છાઓને માન આપવાની તકલીફ પણ કોંગ્રેસને ઉમેદવારો નક્કી કરવામાં નડી રહી છે. આવી જ તકલીફ પાટણ બેઠક પર ઉભી થઇ છે.

પાટણ બેઠક પર કોંગ્રેસી નેતા અલ્પેશ ઠાકોરનું ઘણું વર્ચસ્વ છે. કોંગ્રેસને અહીં જગદીશ ઠાકોરને ઉભા રાખવાની ઈચ્છા છે, પરંતુ અલ્પેશ ઠાકોરની આ બાબતે કોઇપણ સલાહ લેવામાં આવી નથી. આ કારણસર અલ્પેશ ઠાકોર કોંગ્રેસ નેતાગીરીથી નારાજ ચાલી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. અગાઉ પાટણ બેઠક પરથી પોતે ચૂંટણી લડવા ઈચ્છે છે તેમ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની નેતાગીરીને જણાવી દીધું હતું.

પરંતુ હવે જ્યારે હાઈકમાન્ડ જગદીશ ઠાકોરના નામે લગભગ સહમત છે ત્યારે અલ્પેશ ઠાકોર હું નહીં તો કોઈ નહીં જેવી જીદ લઈને બેઠા છે. આમ ગુજરાત કોંગ્રેસની પરિસ્થિતિ વધુ નબળી થઇ રહી છે. જો કે ઠાકોર સમાજના આગેવાનો ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને મળે તેવી સંભાવનાઓ છે અને મળતા ખબર મુજબ ખુદ જગદીશ ઠાકોર અલ્પેશ ઠાકોરને રાજી કરવાના પ્રયાસો કરી રહ્યા છે.

પરંતુ, અલ્પેશ ઠાકોર જે અગાઉ પણ કોંગ્રેસ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા અને બાદમાં બધું સારું છે એમ કહીંને તેમણે દસ દિવસ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમણે અણીના સમયે પાટણ બેઠકની ઉમેદવારી નોંધાવી અને બાદમાં કોંગ્રેસના મનપસંદ ઉમેદવાર સામે નારાજી વ્યક્ત કરી તેનાથી તેઓ હજી પણ કોંગ્રેસી નેતાગીરી સામે રાજી ન હોય તેવું લાગી રહ્યું છે.