Featured|દેશદેશ

પવાર અને માયાવતી ચૂંટણી નથી લડતા મતલબ મોદી જીતશે: શિવસેના

308views

હાલમાં જ NCPના શરદ પવાર અને BSPના માયાવતીએ આવનારી લોકસભાની ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે તેનો સીધો મતલબ છે કે NDA સત્તા પર પરત આવવાનું છે તેમ શિવસેનાએ જણાવ્યું હતું. શિવસેનાએ એવો વિશ્વાસ પણ દાખવ્યો હતો કે ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા વાડ્રાની એન્ટ્રીથી સમાજવાદી પાર્ટી અને બસપાની યોજના પર પાણી ફરી વળ્યું છે, કારણકે આ ત્રણેયની વોટ બેન્ક એક સરખી જ છે.

પોતાના મુખપત્ર સામનામાં શિવસેનાએ લખ્યું છે કે શરદ પવાર અને માયાવતીએ જ્યારે એમ કહી દીધું છે કે તેઓ લોકસભાની ચૂંટણીઓ નથી લડવાના ત્યારે એ સમજી શકાય છે કે નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન બનવાના છે. માયાવતીએ ચૂંટણી ન લડવા પાછળ કારણ જણાવ્યું હતું કે તેઓ આખા દેશમાં ફરીને પાર્ટી માટે પ્રચાર કરવા માંગે છે. પરંતુ સામનામાં લખ્યા અનુસાર માયાવતીની અસર ઉત્તર પ્રદેશ પુરતી જ છે આથી તેઓ માત્ર બહાનાબાજી ચલાવી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં પોતાના વિરોધી એવા શરદ પવાર અંગે કહ્યું હતું કે શરદ પવાર વિપક્ષોને એક કરવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ તેમના ખુદના પરિવારમાં એકતા રહી નથી. રણજીત સિંગ વિખે પાટીલના NCP છોડીને ભાજપમાં જોડાવાથી શરદ પવારને મોટો ઝટકો લાગ્યો છે.

છેલ્લે શિવસેનાએ જણાવ્યું હતું કે શરદ પવાર અને માયાવતી જેમની આખી જિંદગી વડાપ્રધાન બનવાના સપનાઓ જોવામાં ગઈ છે તેઓના સ્પર્ધામાંથી ખસી જવાનો એક જ મતલબ છે કે NDA સતત બીજીવાર કેન્દ્રમાં સત્તા બનાવવા જઈ રહી છે.