Featured|દેશદેશ

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રીનું પણ કોંગ્રેસ સાંભળતી નથી

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રીનું પણ કોંગ્રેસ સાંભળતી નથી

કોંગ્રેસની સંસ્કૃતિ માત્ર એક પરિવાર પુરતી જ સીમિત રહી ગઈ છે તેનું એક વધુ ઉદાહરણ સામે આવ્યું છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચવાણ જેમણે આદર્શ સોસાયટી કૌભાંડમાં તેમનું નામ આવતા તેમણે ન છૂટકે પોતાના પદેથી રાજીનામું આપવું પડ્યું હતું તેમની કોંગ્રેસ પક્ષ વિરુદ્ધની નારાજગી સામે આવી છે.

ગઈકાલે એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી જેમાં અશોક ચવાણ એક કોંગ્રેસી કાર્યકર્તા સાથે વાત કરતા હોવાનું સંભળાય છે. મહારાષ્ટ્રની ચંદ્રપુર બેઠક પરથી કોંગ્રેસે વિનાયક બાંગડને ટીકીટ આપી છે. કોંગ્રેસના આ નિર્ણયથી અશોક ચવાણ નારાજ છે. કાર્યકર્તાએ ચવાણને પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે વિનાયક બાંગડને શા માટે ટીકીટ આપી છે? કાર્યકર્તાઓ આ નિર્ણયથી ખુશ નથી.

જવાબમાં અશોક ચવાણ કહે છે કે તમારી વાત સાથે હું પૂર્ણપણે સહમત છું અને તમને મારું સમર્થન પણ છે, પણ હું શું કરું? મારું કોંગ્રેસમાં કોઈ સાંભળતું જ નથી! આ નિર્ણય મુકુલ વાસનિકનો છે અને મહારાષ્ટ્ર કોંગ્રેસમાં માત્ર એમનું જ ચાલે છે.

આમ મહારાષ્ટ્ર કોંગ્રેસમાં બધું સમુસૂતરું નથી એ અશોક ચવાણની વાયરલ થયેલી ઓડિયો ક્લિપ દ્વારા ખબર પડી જાય છે. વળી, જ્યારે અશોક ચવાણને પણ આ ક્લિપ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે તેમાં પોતાનો અવાજ નથી તેમ ન કહેતા કહ્યું હતું કે કોઈની અંગત વાતો આ રીતે બહાર પડી જાય તે યોગ્ય નથી.

આમ અશોક ચવાણે મગનું નામ મરી પાડ્યા વગર પોતે મહારાષ્ટ્ર કોંગ્રેસથી દુઃખી છે એ સ્વિકારી લીધું હતું.