Featured|દેશદેશ

નવી રોજગારી જાન્યુઆરી મહિનામાં 17 મહિનાની ટોચે: EPFO

નવી રોજગારી જાન્યુઆરી મહિનામાં 17 મહિનાની ટોચે: EPFO

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓફિસના તાજા આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં લગભગ નવ લાખ નવી રોજગારીઓ ઉભી થઇ છે જે છેલ્લા 17 મહિનાઓમાં કોઇપણ મહિનાનો શ્રેષ્ઠ દેખાવ રહ્યો હતો. EPFO પોતાનો ડેટા તેને ત્યાં નોંધાયેલા કર્મચારીઓની સંખ્યા પરથી તૈયાર કરતું હોય છે. આ ડેટા અનુસાર જાન્યુઆરી 2019માં કુલ 8.96 લાખ નવી રોજગારી ઉભી થઇ છે જે સપ્ટેમ્બર 2017થી અત્યારસુધીમાં સહુથી વધુ રોજગારી છે.

જો ગયા વર્ષની સરખામણી કરીએ તો ગત જાન્યુઆરીમાં 3.87 લાખ કર્મચારીઓની નોંધણી EPFOમાં થઇ હતી જેમાં આ વર્ષે 131%ની વૃદ્ધિ થઇ છે. સપ્ટેમ્બર 2017થી જાન્યુઆરી 2019 સુધીમાં EPFOમાં કુલ 78.48 નવા કર્મચારીઓ ઉમેરાયા છે જે દર્શાવે છે કે આટલી બહોળી સંખ્યામાં દેશમાં નવી રોજગારી ઉભી થઇ છે. EPFO માં જાન્યુઆરીમાં રજીસ્ટર થયેલા કર્મચારીઓની નેટ સંખ્યા 8,96,516 રહી હતી જે અત્યારસુધીની સહુથી વધુ વૃદ્ધિ રહી છે.

સ્વાભાવિક છે કે ઉપરોક્ત આંકડો એ વિપક્ષોના એ આરોપનું ખંડન કરે છે કે દેશમાં બેરોજગારી વધી રહી છે. ઉલટું ઉપરોક્ત ડેટા સરકારના એ દાવાનું સમર્થન કરે છે કે દેશમાં રોજગારીની તકો બહોળા પ્રમાણમાં વધી રહી છે અને વધુને વધુ લોકો રોજગારી મેળવીને તેમજ EPFOમાં જોડીને પોતાનું આવનારું ભવિષ્ય પણ સુરક્ષિત કરી રહ્યા છે.

EPFOનો ડેટા એટલા માટે પણ વિશ્વાસપાત્ર છે કારણકે તેમાં કર્મચારીઓનું રજીસ્ટ્રેશન તેના નોકરીદાતા દ્વારા કરવામાં આવતું હોય છે જેથી તે કર્મચારીના પગારમાંથી અમુક અંશ કાપીને તેમજ પોતાનો એટલો જ ફાળો ઉમેરીને કર્મચારીના પ્રોવિડન્ટ ફંડ તરીકે EPFOમાં જમા કરાવી શકે.