Featured|દેશદેશ

ગુજરાતમાં કોંગ્રેસને મોટો આઘાત, છોટુભાઈ વસાવા નારાજ

ગુજરાતમાં કોંગ્રેસને મોટો આઘાત, છોટુભાઈ વસાવા નારાજ

કોંગ્રેસને સમગ્ર દેશમાંથી જાકારો મળી રહ્યો છે અને તે પણ પોતાના સાથીઓથી. ઉત્તર પ્રદેશ, બંગાળ અને આંધ્રપ્રદેશમાં સાથીદારોએ છેડો ફાડ્યો હતો અને હવે વારો ગુજરાતનો છે. એક ટીવી ન્યૂઝ ચેનલના હવાલાથી સમાચાર મળ્યા છે કે ગુજરાતના દિગ્ગજ નેતા અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સ્થાપક છોટુભાઈ વસાવા પણ કોંગ્રેસનો સાથ છોડી શકે તેમ છે.

થોડા દિવસો અગાઉ સમાચાર હતા કે છોટુભાઈની પાર્ટી અને કોંગ્રેસ સાથે ગઠબંધન નક્કી થઇ ગયું છે, પરંતુ ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસારિત થયેલા સમાચાર અનુસાર છોટુભાઈ વસાવાએ કોંગ્રેસને સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ એકલાહાથે ચૂંટણી લડવા માંગે છે. આટલું જ નહીં છોટુભાઈએ કોંગ્રેસને એમ પણ કહ્યું છે કે તેઓ ગુજરાતમાંથી એક નહીં પરંતુ સાત લોકસભા બેઠકો પરથી પોતાના ઉમેદવારો ઉભા રાખશે.

બે દિવસ અગાઉ જ્યારે છોટુભાઈ વસાવા અને કોંગ્રેસ વચ્ચે બધું બરોબર હતું તો અચાનક એવું તે શું થયું કે તેમણે ગુસ્સે થઈને એકલા જવાનું નક્કી કર્યું તેવો પ્રશ્ન કોઈના પણ મનમાં આવી શકે છે. તો કારણ એવું જાણવા મળ્યું છે કે ભરૂચ લોકસભા બેઠક પર છોટુભાઈ અને કોંગ્રેસ વચ્ચે મતભેદો સર્જાયા છે. જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ ભરૂચ લોકસભા બેઠક પરથી પોતાના પુત્ર ફૈસલને ટીકીટ આપવાનું લગભગ નક્કી કરી ચૂક્યા છે. બસ આ મુદ્દે જ ભરૂચ જીલ્લાના ઝઘડિયાથી વિધાનસભ્ય એવા છોટુભાઈ વસાવા કોંગ્રેસથી નારાજ થઇ ગયા છે.

અત્રે એ નોંધનીય છે કે છોટુભાઈ વસાવા અને અહમદ પટેલ અંગત જીવનમાં અત્યંત નીકટના મિત્રો ગણાય છે.