Featured|દેશદેશ

અમેઠીમાં રાહુલ માટે આ વખતે કેમ કપરાં ચઢાણ?

અમેઠીમાં રાહુલ માટે આ વખતે કેમ કપરાં ચઢાણ?

ગઈકાલે ભાજપે આવનારી લોકસભાની ચૂંટણીઓ માટે 184 ઉમેદવારોની પ્રથમ સૂચી જાહેર કરી હતી. આ યાદીમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંગ અને નિતીન ગડકરી જેવા દિગ્ગજ નામો સાથે કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીનું નામ પણ સામેલ હતું. દિગ્ગજોમાંથી અમિત શાહ પ્રથમવાર પોતાની લોકસભાની ચૂંટણી લડશે જ્યારે અન્યોના નામ તેમની બેઠકો પર જ રિપીટ થયા છે.

સ્મૃતિ ઈરાનીનું નામ પણ આ વખતે અમેઠીથી રિપીટ થયું છે અને આ વખતે પણ તેઓ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સામે ટક્કર લેવાના છે. જો ગત લોકસભાની ચૂંટણીની મતગણતરીનો દિવસ યાદ હોય તો એવા ઘણા રાઉન્ડ હતા જેમાં સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધી કરતા આગળ રહ્યા હતા અને છેવટે રાહુલ ગાંધી તેમની અગાઉની લીડ કરતા ઘણી ઓછી લીડ સાથે અમેઠીમાં જીતી ગયા હતા. પરંતુ આ વખતે રાહુલ ગાંધી માટે નાની જીત પણ કદાચ શક્ય ન બને તેવું લાગી રહ્યું છે.

ગયા વખતની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી સ્મૃતિ ઈરાની વિરુદ્ધ 1,07,923 મતે જીત્યા હતા જે એમના સ્તર કરતા ઘણી ઓછી લીડ કહેવાય. યાદ કરો વારાણસી જ્યાં નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલ સામે 37 લાખ જેટલી જંગી બહુમતિથી જીત્યા હતા. વળી રાહુલ ગાંધીની જીત એ અગાઉ જણાવ્યા પ્રમાણે તેમની ભૂતકાળની જીત કરતા બહુ નબળી રહી હતી. આથી આ વખતે તેમના મતમાં વધુ ગાબડાં પડવાની શક્યતાઓ છે. કેમ? ચાલો જાણીએ.

પ્રથમ કારણ છે 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ જેમાં અમેઠી લોકસભા વિસ્તારની પાંચેય બેઠકો કોંગ્રેસ હારી ગઈ હતી. પાંચમાંથી ચાર બેઠકો ભાજપ અને એક અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી જીતી હતી. આમ આ પરિણામ જો કોઈ નિર્દેશ હોય તો રાહુલ ગાંધીની તકલીફ ઓછી નથી.

બીજું કારણ છે સ્મૃતિ ઈરાનીની અમેઠીમાં સતત હાજરી. જાણીને ખરેખર નવાઈ લાગે કે ચૂંટણી હાર્યા પછી પણ આ પાંચ વર્ષમાં સ્મૃતિ ઈરાની અમેઠીના સંસદ સભ્ય રાહુલ ગાંધી કરતા પણ કદાચ વધુ હાજરી પૂરાવી ગયા છે. આટલુંજ નહીં સ્મૃતિ ઈરાની પોતે મંત્રી હોવાને નાતે અમેઠી માટે જેટલું કરી શક્યા હોય તેટલું તેમણે કરી બતાવ્યું છે. જો કે ગત ચૂંટણીમાં હાર્યા બાદ તેમણે વાયદો કર્યો જ હતો કે તેઓ અમેઠીમાં એક્ટીવ રહેશે જ. આમ અમેઠી માટે જેટલા કાર્યો સ્મૃતિ ઈરાની અને ભાજપે કર્યા છે એટલા રાહુલ ગાંધી અને તેમની ત્રણ પેઢીએ કદાચ અત્યારસુધી નથી કર્યા.

ત્રીજું કારણ રાહુલ ગાંધી પ્રત્યે આક્રોશ. એવા ઘણા પ્રસંગો છેલ્લા પાંચ વર્ષમાં બન્યા છે જેમાં અમેઠીની સ્થાનિક પ્રજાએ રાહુલ ગાંધી વિરુદ્ધ પોતાનો રોષ દર્શાવ્યો હોય. ખાસકરીને સાયકલ ફેક્ટરી જેનું ભૂમિપૂજન રાજીવ ગાંધીએ કરાવ્યું હતું તે આખો પ્રોજેક્ટ કોંગ્રેસી નેતાઓની નાણાંકીય ગેરરીતીને લીધે બંધ પડી ગયો છે. આ પ્રોજેક્ટથી અમેઠીના યુવાનોને રોજગારી મળવાની જે આશા હતી તે ઠગારી નીવડી છે.

ચોથું અને અંતિમ કારણ છે રાહુલ ગાંધીનો મસૂદ અઝહર પ્રત્યેનો પ્રેમ. રાહુલ ગાંધીએ આતંકવાદી મસૂદ અઝહરના નામ પાછળ જી લગાવીને સમગ્ર દેશના નાગરિકોને ગુસ્સે કર્યા છે અને અમેઠીના નાગરિકો તેમાંથી અલગ નથી. રાહુલ ગાંધીના મસૂદ અઝહરને જી કહ્યા બાદ અમેઠીમાં રાહુલ ગાંધી અને મસૂદ અઝહર ગળે મળતા હોય એવા પોસ્ટરો ફેલાઈ ગયા હતા. આમ અમેઠીની જનતા પણ આતંકવાદના મામલે રાહુલ ગાંધીના વલણથી આક્રોશિત થઇ હતી તે સ્પષ્ટ છે.

ઉપરોક્ત કારણોસર એ સ્પષ્ટ થાય છે કે આ વખતે રાહુલ ગાંધી માટે તેમની પેઢીગત બેઠક અમેઠી પર જીત મેળવવી અઘરો સવાલ બનીને ઉભો થઇ ગયો છે. કદાચ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પણ આ હકીકતને સમજી ગઈ છે અને તેથીજ એવા સમાચારો આવી રહ્યા છે કે રાહુલ ગાંધી છેક કર્ણાટકમાં સેફ સીટ શોધી રહ્યા છે.