Featured|ગુજરાતગુજરાત

ગુજરાતમાં મની લોન્ડરિંગ કરનાર હિતેશ પટેલ અલ્બાનિયાથી ઝડપાયો

Money Laundering
261views

ભારતની બેન્કોને લૂંટીને વિદેશ ભાગી જનારાઓ અનેક ભાગેડુઓમાંથી એક હિતેશ પટેલ છે. હિતેશ પટેલ પર 5000 કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ કરવાનો આરોપ છે અને તે ગુજરાતના વડોદરા ખાતેના સ્ટર્લીંગ બાયોટેક કેસમાં મોસ્ટ વોન્ડેટ છે. આ હિતેશ પટેલને અલ્બાનિયામાં પકડી લેવામાં આવ્યો છે. અત્રે એ નોંધનીય છે કે ગત 11 માર્ચના રોજ જ હિતેશ પટેલ વિરુદ્ધ રેડ કોર્નર નોટીસ જાહેર કરવામાં આવી હતી. આમ માત્ર 11 દિવસના ટૂંકાગાળામાં જ તેની ધરપકડ કરવામાં સફળતા મળી છે.

એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટે મુંબઈમાં તેના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં નિતીન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દીપ્તિ સાંડેસરા ઉપરાંત હિતેશ પટેલને પણ આરોપ બનાવવામાં આવ્યા હતા. આ ચારેય સ્ટર્લીંગ બાયોટેકના પ્રમોટર્સ છે. આ ચારેય ઈડીની તપાસથી બચવા માટે વિદેશ ભાગી ગયા હતા.

હિતેશ પટેલ અંગે એવી માહિતી આવી હતી કે તે અમેરિકા છે પરંતુ તેને અલ્બાનિયામાંથી પકડી લેવામાં આવ્યો છે. ઇડીનું કહેવું છે કે હિતેશને બહુ જલ્દીથી પ્રત્યાર્પિત કરીને ભારતમાં લાવવામાં આવશે. ભારતના આર્થિક આરોપીઓ અને ભાગેડુઓ વિરુદ્ધ એક પછી એક ભારત સરકારને સફળતા મળી રહી છે. વિજય માલ્યા વિરુદ્ધ પ્રત્યાપર્ણની કાર્યવાહી ચાલી રહી છે, જ્યારે નિરવ  મોદીની બે દિવસ અગાઉ જ ધરપકડ થઇ હતી. આ ઉપરાંત મેહુલ ચોક્સીને એન્ટીગુઆમાંથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવાની પ્રક્રિયા અંતિમ ચરણોમાં હોવાના સમાચાર આવ્યા છે. ક્રિમીનલ રવિ પૂજારીને પણ ભારત સરકારના પ્રયાસોને લીધે સેનેગલમાંથી પકડવામાં આવ્યો હતો.

સાંડેસરા ગ્રુપના ગુજરાત અને દેશના સહુથી વરિષ્ઠ કોંગ્રેસી નેતા સાથે ગાઢ સંબંધો હોવાનું પણ બહાર આવ્યું હતું અને હાલમાં એ નેતા વિરુદ્ધ પણ કાર્યવાહી ચાલી રહી છે.