Featured|દેશદેશ

યુપી બાદ હવે બિહારમાં પણ કોંગ્રેસનો વાવટો સંકેલાઈ જશે: તેજસ્વી યાદવ

યુપી બાદ હવે બિહારમાં પણ કોંગ્રેસનો વાવટો સંકેલાઈ જશે: તેજસ્વી યાદવ

એક સમયે કોંગ્રેસ જે પક્ષોની સાથે મહાગઠબંધન કરીને લોકસભાની ચૂંટણી લડવાનો દાવો કરી રહી હતી તે જ કોંગ્રેસને હવે તે જ પક્ષો પોતાનાથી દૂર કરી રહ્યા છે. જો કે આમ થવા પાછળ પણ કોંગ્રેસનો જ વાંક છે. યુપી બાદ હવે બિહારમાં પણ કોંગ્રેસે પોતાના સાથી પક્ષ રાષ્ટ્રીય જનતા દલને આક્રોશિત કર્યું છે. રાજદના નેતા અને બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે કોંગ્રેસને સુધરી  જવાની સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે.

તેજસ્વી યાદવે કોંગ્રેસની 15 બેઠકોની માંગ ઠુકરાવી દીધી છે. અગાઉ કોંગ્રેસ બિહારમાં 7 બેઠકો પર ચૂંટણી લડવા માટે રાજી થઇ ગઈ હતી પરંતુ બાદમાં અચાનક તેણે 15 બેઠકોની માંગ કરી હતી અને ગઠબંધનને સંકટમાં મૂકી દીધું હતું. છેલ્લા ઘણા દિવસથી આ મામલે ચર્ચા વિચારણા ચાલી રહી હતી પરંતુ કોંગ્રેસ કે રાજદ પોતાની નક્કી કરેલી સંખ્યામાંથી સહેજ પણ ફરવા તૈયાર નથી. તેજસ્વી યાદવે છેવટે કોંગ્રેસને 7 ને બદલે 8 બેઠકો પર માની જવાની પણ ઓફર આપી હતી પરંતુ લાગે છે કે કોંગ્રેસ એ માટે તૈયાર નથી.

આમ કોંગ્રેસના જીદ્દી વલણને લીધે રોષે ભરાયેલા તેજસ્વી યાદવે કોંગ્રેસને સાનમાં સમજી જવાનું કહ્યું છે અને જો એમ ન થાય તો તેને એકલેહાથે ચૂંટણી લડવાનો પણ પડકાર ફેંકી દીધો છે.

બીજી તરફ બિહારમાં NDA દ્વારા બેઠકોની વહેંચણી પૂર્ણ થઇ ગઈ છે. ભાજપ અને જનતા દલ યુનાઈટેડ 17-17 બેઠકો પરથી લડશે જ્યારે રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી 7 બેઠકોથી ચૂંટણી લડશે. મહત્ત્વની વાત તો એ પણ છે કે NDA દ્વારા બિહારમાં તો પ્રચાર પણ શરુ થઇ ગયો છે પરંતુ સામે પક્ષે હજી પણ કયો પક્ષ કઈ બેઠકો પર લડશે એ નક્કી કરવાનું તો દૂર કયા પક્ષને કેટલી બેઠકો મળશે તેનો નિર્ણય પણ નથી થયો. રાજદ અને કોંગ્રેસ સાથે જીતનરામ માંઝીનો પક્ષ તેમજ વામપંથીઓ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કરી ચૂક્યા હતા.

જો કે વામપંથીઓ પણ રાજદની બેઠકોની ઓફરથી નાખુશ હોવાનું કહેવામાં આવે છે. વામપંથી પાર્ટીઓને બેગુસરાય બેઠક પરથી ટુકડે ટુકડે ગેંગના કન્હૈયા કુમારને ટીકીટ આપવી છે પરંતુ તેજસ્વી યાદવને પોતાની પાર્ટીનો ઉમેદવાર ત્યાંથી લડાવવો છે.

પરંતુ આ બધામાં કોંગ્રેસની હાલત અત્યંત ખરાબ દેખાઈ રહી છે. બિહારમાં તેને સમજી જવાની ચેતવણી એ પહેલી ચેતવણી નથી. ગઈકાલે જ બસપાના સુપ્રિમો માયાવતીએ કોંગ્રેસ પર તેમના અને સપાના ગઠબંધનમાં પોતે પણ સામેલ છે એવો ભ્રમ ફેલાવવાનો આરોપ મુક્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ ઈચ્છે તો પોતાની બેઠક સહીત યુપીની તમામ 80 બેઠકો પર ચૂંટણી લડવા પોતાના ઉમેદવારો મૂકી શકે છે.