Featured|દેશગુજરાત

ભારતનો આર્થિક અપરાધી અને ભાગેડુ નિરવ મોદી લંડનમાં ગિરફ્તાર

ભારતનો આર્થિક અપરાધી અને ભાગેડુ નિરવ મોદી લંડનમાં ગિરફ્તાર

ભારતના આર્થિક ગુનેગાર અને ભાગેડુ નિરવ મોદીને લંડનમાં પકડી લેવામાં આવ્યો છે. થોડા જ સમયબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. લંડન મેટ્રોપોલિટન પોલીસે આ કાર્યવાહી થોડા સમય અગાઉ કરી હતી. જાણકારોના મત અનુસાર બ્રિટીશ કાયદાઓ અનુસાર તેને જામીન મળી જવાની પૂરેપૂરી સંભાવનાઓ છે પરંતુ આમ થવાથી તેના પ્રત્યાર્પણની કાર્યવાહી શરુ થઇ જશે જે છેવટે ભારતના જ લાભમાં રહેશે.

અગાઉ વેસ્ટમિનિસ્ટર કોર્ટે નિરવ મોદી વિરુદ્ધ ધરપકડનું વોરંટ ઈશ્યુ કર્યું હતું. નિરવ મોદી પર ભારતની બેન્કોના 13000 કરોડ રૂપિયા ખાઈ જવાનો આરોપ છે. થોડા દિવસો અગાઉ જ નિરવ મોદીને લંડનના રસ્તાઓ પર કોઇપણ ચિંતા વગર ફરતો જોવા મળ્યો હતો. આ બાદ જ કોર્ટે આ મામલાની ગંભીરતા સમજી અને તેના વિરુદ્ધ વોરંટ જારી કર્યું હતું. ભારત સરકારની આ મોટી રાજદ્વારી જીત તરીકે પણ આ ધરપકડને જોવામાં આવી રહી છે.

લંડનમાં નિરવ મોદીને હરતો ફરતો જોવામાં આવ્યા બાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે આ રીતે તેને જોતા એવો મતલબ બિલકુ ન કાઢી શકાય કે તેને બહુ જલ્દીથી ભારત લાવવામાં આવશે. આ સમગ્ર બાબતે એક વિસ્તૃત પ્રક્રિયા હોય છે જેને બધાએ ફોલો કરવી પડતી હોય છે. હવે જ્યારે નિરવ મોદીની ધરપકડ થઇ ગઈ છે ત્યારે ભારતીય અધિકારીઓએ ચોક્કસ રાહતનો શ્વાસ લીધો હશે.