Featured|દેશદેશ

ગુજરાતીઓ ખાલી ધંધો કરી જાણે, એમનામાં અક્કલ જ ક્યાં છે?: નાયડુ

ગુજરાતીઓ ખાલી ધંધો કરી જાણે, એમનામાં અક્કલ જ ક્યાં છે?: નાયડુ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુએ એક પ્રખ્યાત અખબારની વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યુમાં ગુજરાતીઓનું અપમાન કર્યું છે. આ ઇન્ટરવ્યુમાં ચંદ્રાબાબુ નાયડુને સવાલ કરવામાં આવ્યો હતો કે તેઓ નરેન્દ્ર મોદીને એક મહાન આગેવાન નથી માનતા એવું કેમ કહે છે?

આ સવાલના જવાબમાં ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું હતું કે જો ઉપલા સ્તરે એક કાર્યક્ષમ આગેવાન હોય તો તેની વિવિધ અસરો થતી હોય છે. નરેન્દ્ર મોદીના વડાપ્રધાન હોવા અંગે આપણે તથ્યો ચકાસવા જોઈએ. લોકોએ તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ રાખી હતી. તેઓએ ગુજરાત મોડેલને આગળ વધાર્યું હતું. પરંતુ ગુજરાત એ કોઈ મહાન મોડેલ નથી કારણકે એકવીસમી સદી એ અર્થતંત્રના જ્ઞાન વિષેની સદી છે અને ગુજરાતમાં જ્ઞાન જ ક્યાં છે?

ચંદ્રાબાબુ નાયડુએ આગળ જણાવ્યું હતું કે ગુજરાતમાં જ્ઞાનનો અભાવ એ તેની મૂળભૂત ખામી છે. તેઓ માત્ર ધંધો જ કરી જાણે છે. મારા મંતવ્ય અનુસાર તેઓ સાહસિક નથી. IITs અને IIMsમાં જુઓ તેના ટોચના વિદ્યાર્થીઓમાં કોઈ ગુજરાતથી છે? જ્યારે આંધ્ર એક હતું ત્યારે મેં હૈદરાબાદમાં નોલેજ હબ ઉભું કર્યું હતું. ભવિષ્ય બેંગલુરૂ અને હૈદરાબાદનું છે.

આમ ચંદ્રાબાબુ નાયડુનું સ્પષ્ટપણે માનવું છે કે ગુજરાતીઓમાં અક્કલનો અભાવ છે અને તેઓ ફક્ત ધંધો જ કરી જાણે છે. તેઓ તો ગુજરાતી પ્રજાને સાહસિક ગણવા પણ તૈયાર નથી. જો ગુજરાતી પ્રજા સાહસિક ન હોત તો દેશના ટોચના ઉદ્યોગપતિઓમાં સહુથી વધુ સંખ્યા ગુજરાતીઓની કેમ છે એવો સવાલ કોઈ ચંદ્રાબાબુને કરશે? અને જો કરશે તો તેનો જવાબ તેઓ આપી શકશે ખરા?

યાદ રહે ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ ગુજરાતીઓને ગધેડા કહ્યા હતા અને તે ચૂંટણીઓનું પરિણામ શું આવ્યું હતું તેની આપણને બધાને જાણ છે જ.

મુદ્દો અહીં એ છે કે ચંદ્રાબાબુ નાયડુને વડાપ્રધાન થવું છે પરંતુ તેમની પાસે નરેન્દ્ર મોદીની જેમ સમગ્ર દેશમાં લોકપ્રિયતા નથી. બલકે આંધ્રપ્રદેશ અને તેલંગાણા કે પછી દક્ષિણના બાકીના રાજ્યો સિવાય ભાગ્યે જ કોઈ સામાન્ય મતદાર એમને ઓળખતો હશે. તેનાથી વિરુદ્ધ નરેન્દ્ર મોદીને દેશના તમામ રાજ્યોના લોકો બરોબર  ઓળખે છે. આમ નરેન્દ્ર મોદી સાથે સ્પર્ધા કરવામાં ઉણા  ઉતરતા નાયડુએ નરેન્દ્ર મોદીની ટીકા કરવાની લ્હાયમાં સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કરી દીધું છે.