Featured|ગુજરાતગુજરાત

અમરેલીમાં કોંગ્રેસીઓનો ગુસ્સો શાંત થવાનું નામ જ લેતો નથી

વધુ એક મોટો ફટકો: શું પરેશ ધાનાણીના હાથમાંથી અમરેલી સરકી રહ્યું છે?

લાગે છે કે આ વખતે ગુજરાત કોંગ્રેસમાં ઉભા થયેલા આંતરિક અસંતોષનું એપીસેન્ટર અમરેલી બનશે જ્યાં ગત વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસે અભૂતપૂર્વ દેખાવ કર્યો હતો. અગાઉ પણ અમરેલીના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા હતા અને અમરેલીના સ્થાનિક નેતાને સસ્પેન્ડ કરવામાં આવતા સો થી પણ વધુ કોંગ્રેસી સભ્યોએ પક્ષમાંથી રાજીનામા ધરી દીધા હતા. હવે તાજા સમાચાર અનુસાર કોંગ્રેસના અમરેલીના બે ધારાસભ્યો ગુજરાત કોંગ્રેસની નેતાગીરીથી નારાજ છે.

અગાઉ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા સુરેશ કોટડીયાને અમરેલી લોકસભાની બેઠક માટેની ટીકીટ આપવાનું નિશ્ચિત જણાતા અમરેલી કોંગ્રેસના બે ધારાસભ્યો ગુસ્સે ભરાયા છે. અગાઉ સુરેશ કોટડીયાને કોંગ્રેસ તરફથી ધારી APMCની ચૂંટણી લડાવવામાં આવી હતી પરંતુ તેઓ આ ચૂંટણી હારી ગયા હતા. આવા સંજોગોમાં સુરેશ કોટડીયાને ટીકીટ આપવાનું નિશ્ચિત જણાતા રાજુલાના કોંગ્રેસી ધારાસભ્ય અમરીશ ડેર નારાજ થયા છે અને તેમણે ગઈકાલે પોતાના કાર્યકર્તાઓની એક બેઠક બોલાવી હતી.

આ ઉપરાંત વરિષ્ઠ કોંગ્રેસી નેતા વિરજી ઠુમ્મર પણ પોતાની પુત્રીને લોકસભા ચૂંટણી લડાવવા  માંગે છે એવામાં જો સુરેશ કોટડીયા જો ટીકીટનું મેદાન મારી જશે તો અમરેલીમાં કોંગ્રેસ ભડકે બળશે તેવા પૂરા આસાર નજરે પડી રહ્યા છે.

સુરેશ કોટડીયા પણ મૂળ કોંગ્રેસની ન  હોવાની હકીકત પણ તેમની વિરુદ્ધ જાય છે. તો પૂર્વ કેન્દ્રીય પ્રધાન મનુભાઈ કોટડીયાના પુત્ર છે અને તેમની મૂળ પાર્ટી જનતા દળ છે. તેઓ જનતા દળ છોડીને પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા, બાદમાં ભાજપ સાથે જોડાયા અને હવે ફરીથી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આવામાં સ્થાનિક અને મૂળ કોંગ્રેસી આગેવાનોને કોરાણે મૂકીને જો અન્ય કોઈને ટીકીટ આપવામાં આવશે તો ગુજરાત કોંગ્રેસમાં અમરેલી બેઠકને કારણે જરૂર કોઈ નવાજૂની થશે તે નિશ્ચિત છે.