Featured|દેશદેશ

સટ્ટાબજાર અનુસાર અબ કી બાર કિસકી સરકાર?

સટ્ટાબજાર અનુસાર અબ કી બાર કિસકી સરકાર?

એવું ઘણીવાર કહેવાતું હોય છે કે સટ્ટાબજારની આગાહી ભલભલા ઓપિનિયન અને એક્ઝીટ પોલને ખોટા સાબિત કરી દેતી હોય છે. આમ કહેવા પાછળનો તર્ક શો છે તેની તો ખબર નથી પરંતુ ભૂતકાળમાં મોટાભાગની ચૂંટણીઓમાં પરિણામો એક્ઝીટ પોલ કરતા ઉલટા ભલે આવ્યા હોય પરંતુ સટ્ટાબજાર દ્વારા આગાહી કરવામાં આવી હોય તે સાચી પડી હોવાના ઉદાહરણો આપણી સમક્ષ છે.

આ વખતે પણ સટ્ટાબજારે આગાહી કરી છે અને આ આગાહી અનુસાર ભારતના રાજસ્થાનમાં આવેલા ફલૌદી સટ્ટાબજાર જે પોતાની રાજકીય આગાહીઓ માટે જાણીતું છે તેણે પણ અબકી બાર ફિરસે મોદી સરકારની આગાહી કરી દીધી છે. આ પાછળ ફલૌદી સટ્ટાબજારમાં સટ્ટો રમનારાઓ એવું કારણ આપે છે કે પુલવામા હુમલા બાદ નરેન્દ્ર મોદીએ જે રીતે પાકિસ્તાનના છેક બાલાકોટ સુધી જઈને ભારતીય વાયુસેનાને એર સ્ટ્રાઈક કરવાની પરવાનગી આપી તેને લીધે તેમની લોકપ્રિયતામાં પ્રચંડ વધારો જોવા મળ્યો છે.

જો કે ફલૌદીના સટ્ટાબજારે આ પ્રકારની આગાહી માત્ર બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ જ નથી કરી. જાન્યુઆરી મહિનામાં જયારે પુલવામા ઘટના નહોતી બની ત્યારે પણ આ સટ્ટાબજાર દ્વારા NDA આવનારી લોકસભાની ચૂંટણીઓમાં બહુમતી મેળવશે તેવી આગાહી કરી હતી. જાન્યુઆરીમાં ફાલૌદી સટ્ટાબજારે આગાહી કરી હતી કે NDAને 280 બેઠકો મળશે અને ભાજપ એકલે હાથે 200 બેઠકો મેળવશે. જ્યારે કોંગ્રેસ 100 બેઠકો મેળવશે.

પરંતુ પુલવામા અને બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં એટલો બધો વધારો થયો છે કે ફલૌદી સટ્ટાબજાર હવે NDAને 300 થી 310 બેઠકો અને ભાજપને 250 બેઠકો આપી રહ્યું છે. જ્યારે કોંગ્રેસને હવે આ સટ્ટાબજાર 70 થી 72 બેઠકો પર સીમિત કરી દે છે.