Featured|દેશદેશ

મનોહર પાર્રીકરના એ પાંચ કાર્યો જેણે ભારતીય સેનાને અભૂતપૂર્વ મજબૂતી બક્ષી

મનોહર પાર્રીકરના એ પાંચ કાર્યો જેણે ભારતીય સેનાને અભૂતપૂર્વ મજબૂતી બક્ષી

સ્વર્ગસ્થ મનોહર પારીકર લગભગ 27 મહિના દેશના રક્ષામંત્રી રહ્યા હતા. પરંતુ આટલા ઓછા સમયમાં પણ તેમણે એવા કાર્યો કર્યા હતા જેનાથી ભારતીય સેનાને અભૂતપૂર્વ મજબૂતી બક્ષી છે. નરેન્દ્ર મોદીએ સત્તાનું સુકાન જૂન 2014માં સંભાળ્યું હતું પરંતુ મનોહર પારીકર નવેમ્બર 2014માં રક્ષામંત્રી બન્યા હતા.

આમ થવા પાછળ નરેન્દ્ર મોદીનો આશય એ હતો કે મનોહર પારીકર ગોવાની તેમની તમામ જવાબદારીઓથી મુક્ત થાય તેના માટે તેમને સમય આપવામાં આવે. અને જ્યારે મનોહર પાર્રીકરે રક્ષામંત્રીનું પદ સંભાળ્યું તેમણે ભારતીય સેનાને પોતાના પાંચ મોટા કાર્યો દ્વારા મજબૂત બનાવવાનું શરુ કર્યું.

ચાલો જાણીએ રક્ષામંત્રી તરીકે મનોહર પારીકરના એ પાંચ મહત્ત્વના કાર્યો

રક્ષા ખરીદીઓ

મનોહર પર્રીકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેઇક ઇન ઇન્ડિયા કાર્યક્રમ સાથે તાલ મેળવતી ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ પોલિસી (DPP) 2016 અમલમાં મૂકી હતી. આ પોલિસીમાં ભારત જે અત્યારે વિશ્વમાં હથિયાર ખરીદતા સહુથી મોટા દેશમાં સામેલ છે તે ભવિષ્યમાં શસ્ત્રોની ખરીદી કેમ કરશે અને પોતાને ત્યાં શસ્ત્રો કેમ બનાવશે તેના પર પ્રકાશ પાડે છે. આ  માટે પારીકરે સેનાની ત્રણેય પાંખના ટોચના અધિકારીઓ તેમજ સરકારી અધિકારીઓ સાથે વિષદ ચર્ચા કરી હતી અને સેનાના આધુનિકીકરણને ફરીથી પાટે લાવ્યું હતું.

મનોહર પારીકર દ્વારા રચિત DPP 2016માં મેઇક ઇન ઇન્ડિયા પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો જેમાં સંરક્ષણમાં સીધું વિદેશી રોકાણ FDI ની મર્યાદા વધારીને 49% કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓફસેટ પરની નીતિમાં છૂટછાટ આપીને ભારતમાં બનેલા શસ્ત્રોની નિકાસની પણ છૂટ આપવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક શસ્ત્ર ઉત્પાદકોને પ્રાથમિકતા પણ મનોહર પારીકરના સમયમાં જ શરુ થઇ હતી તેમજ સેના જે કોઇપણ શસ્ત્ર ખરીદી કરે તેના 40% ભારતના જ ઉત્પાદકો પાસેથી ખરીદવાનો નિયમ પણ DPP 2016માં નિશ્ચિત કરવામાં આવ્યો હતો.

સેનાનું આધુનિકીકરણ

એક પણ કૌભાંડ કર્યા વગર મનોહર પારીકરે લગભગ 10 બિલીયન ડોલર્સના સેના માટેના સોદાઓ કરી બતાવ્યા હતા. આમાંથી કેટલાક સોદા તો દાયકાઓથી પેન્ડીંગ એવા જવાનોને અપાતી હેલ્મેટ જેવા પ્રાથમિક સોદાઓ હતા. પરંતુ પાર્રીકરના સમયમાં જે મુખ્ય સૈન્ય સોદા થયા તે હતા રાફેલ ફાઈટર જેટ્સ, બોઇંગ અપાચે લોંગબો એટેક હેલિકોપ્ટર્સ, ચિનૂક હેવી લિફ્ટ ચોપર્સ અને અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર તોપના હતા.

આ ઉપરાંત થલસેના માટે બંદૂકો તેમજ અર્જુન ટેંકના ઉત્પાદનને મંજૂરી પણ મનોહર પારીકરના સમયમાં જ આપવામાં આવી હતી. આ ઉપરાંત છેલ્લા એક દાયકામાં શસ્ત્રોના મામલે સેનાની બદહાલી જોઇને તેમણે ઈમરજન્સીમાં રશિયા, ફ્રેન્ચ અને ઇઝરાયેલની કંપનીઓ સાથે કેટલાક સોદા કર્યા અને શસ્ત્રો પણ મેળવ્યા.

આટલું જ નહીં પરંતુ મનોહર પારીકરે શસ્ત્ર સોદાઓમાંથી વચેટિયાઓને સાવ નાબૂદ કર્યા અને તમામ નિર્ણયોમાં પારદર્શકતા પણ લાવી.

વન રેન્ક વન પેન્શન

છેલ્લા ચાર દાયકાઓથી નિવૃત્ત સેનાનીઓની માંગ કે વન રેન્ક વન પેન્શન મળવું જોઈએ તે મનોહર પારીકરના નિર્દેશનમાં પૂર્ણ કરવામાં આવી હતી. આ યોજના કોઇપણ લશ્કરી સેનાનીને તેના રેન્ક અને તેની સર્વિસના સમયને અનુરૂપ એક સરખું પેન્શન આપે છે જેમાં નિવૃત્તિની તારીખની નોંધ લેવામાં આવતી નથી. આ યોજનાથી લગભગ ત્રણ મિલિયન નિવૃત્ત સેનાનીઓ તેમજ સૈનિકોની વિધવાઓને લાભ થયો હતો.

કલ્યાણ યોજનાઓ

દેશ માટે આતંકવાદ કે અન્ય કોઈ સમસ્યા સમયે લડીને શહીદ થનારા સૈનિકોની વિધવાઓ તેમજ પરિવારોને પાંચ અલગ અલગ કેટેગરીમાં મળતું વળતર પારીકરે બમણું કરી આપ્યું હતું. મનોહર પારીકરના સમય અગાઉ આ વળતર 15 લાખ રૂપિયા મળતું હતું જે તેમણે 35 લાખ રૂપિયા કરી આપ્યું હતું. જ્યારે યુદ્ધ દરમ્યાન શહીદ થનારા સૈનિકોની વિધવાઓ માટે અગાઉના રૂ. 20 લાખના વળતરને વધારીને રૂ. 45 લાખ રૂપિયા કરી આપવામાં આવ્યું હતું.

સર્જીકલ સ્ટ્રાઈક

મનોહર પારીકરને પ્રજા દ્વારા જો સહુથી વધુ યાદ રાખવામાં આવશે તો એ સર્જીકલ સ્ટ્રાઈક દરમ્યાન તેમણે નિભાવેલી મહત્ત્વપૂર્ણ ભૂમિકાને લઈને યાદ રાખવામાં આવશે. મનોહર પારીકરના સમયમાં મ્યાનમાર અને POKમાં સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2016માં રક્ષામંત્રી તરીકે તેમણે જ ભારતીય સેનાને LOC પાર કરીને POKમાં આવેલા આતંકવાદી કેમ્પસ નેસ્તનાબૂદ કરી દેવાનો નિર્ણય લીધો હતો. તેમના આ નિર્ણય બાદ જ વિશ્વમાં એવો સંદેશ ગયો હતો કે ભારત આત્મરક્ષા માટે કોઈ અન્ય દેશ પર આધાર રાખતું નથી. મનોહર પાર્રીકર ખુદ એવું કહેતા કે સર્જીકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાન અનિશ્ચિતતાના માહોલમાં રહેશે આપણે નહીં.