Featured|ગુજરાતગુજરાત

પાટીદાર આંદોલનના બે એપીસેન્ટર મહેસાણા અને સુરતમાં હાર્દિક વિરુદ્ધ ઉકળતો ચરુ

પાટીદાર આંદોલનના બે એપીસેન્ટર મહેસાણા અને સુરતમાં હાર્દિક વિરુદ્ધ ઉકળતો ચરુ

હાર્દિક પટેલના રાજકારણમાં મોટે ક્યારેય નહીં જોડાય તેવું વચન આપ્યા પછી પણ કોંગ્રેસમાં જોડાઈ જવાથી પાટીદાર સમાજમાં તેના વિરુદ્ધ જબરદસ્ત ગુસ્સો વર્તાઈ રહ્યો છે. ગઈકાલે જ ગુજરાતના ખૂણેખૂણે હાર્દિકના પૂતળા બાળવામાં આવ્યા હતા અને “હાર્દિક પટેલ હાય હાય”ના સુત્રો પણ પોકારવામાં આવ્યા હતા.

તાજા સમાચાર અનુસાર પાટીદાર આંદોલનના બે એપીસેન્ટર મહેસાણા અને સુરતમાં હાલમાં હાર્દિક વિરુદ્ધ રીતસર ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિનો અનુભવ કોઇપણ વ્યક્તિ કરી શકે તેમ છે. મહેસાણામાં અનેક વિસ્તારોમાં હાર્દિક પટેલ કેમ પાટીદાર સમાજનો ગદ્દાર છે તે અંગે મુદ્દાસર દલીલો લખેલા પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. તો કેટલક જગ્યાએ હાર્દિક પટેલને અલ્પેશ કથીરિયા પોતાનું સ્થાન લઇ લેશે એવી બીક લાગતા તેને જેલભેગો કરીને પોતે રાજકારણમાં ઘૂસી ગયો એવો આરોપ પણ લગાડવામાં આવ્યો છે.

આટલું ઓછું હોય તેમ પાટીદાર સમાજના 14 યુવાનો હાર્દિકને લીધે જ મૃત્યુ પામ્યા હોવાનો તે ઉપરાંત હજારો પાટીદાર યુવાનોએ હાર્દિક માટે પોતાની કારકિર્દીને આડેપાટે ચડાવી દેવાનો પણ અમુક પોસ્ટરોમાં આરોપ લગાવવામાં આવ્યો છે. દરેક પોસ્ટરને અંતે પાટીદારોને વિનંતી કરવામાં આવી છે કે જે વ્યક્તિ આપણા સમાજનો નથી થયો તે રાજકારણમાં આવીને અન્ય સમાજો સાથે શું ન્યાય કરવાનો અને માટે જ હાર્દિક પટેલને સોસાયટીમાં પ્રવેશ નહીં આપવાની વિનંતી કરવામાં આવી છે.

તો અલ્પેશ કથીરિયા જ્યાંથી સંબંધ ધરાવે છે તે સુરત અને ખાસકરીને વરાછા વિસ્તારમાં પરિસ્થિતિ બિલકુલ અલગ નથી. હાર્દિક પટેલ વિરુદ્ધ અહીં પણ ઘેરા રોષની લાગણી વર્તાઈ રહી છે. ખાસકરીને રવિવારે અલ્પેશ અને હાર્દિકના સમર્થકો વચ્ચે થયેલી છુટ્ટા હાથની મારામારી બાદ અહીં હાર્દિક પટેલ રીતસર વિલન બની ગયો છે. જાણવા મળ્યા અનુસાર મહેસાણાની તર્જ પર સુરતમાં પણ બહુ જલ્દીથી હાર્દિક પટેલ વિરુદ્ધ પોસ્ટર ઝુંબેશ અને અન્ય પ્રકારે તીવ્ર વિરોધ શરુ થઇ શકે છે.