Featured|ગુજરાતગુજરાત

વધુ એક મોટો ફટકો: શું પરેશ ધાનાણીના હાથમાંથી અમરેલી સરકી રહ્યું છે?

વધુ એક મોટો ફટકો: શું પરેશ ધાનાણીના હાથમાંથી અમરેલી સરકી રહ્યું છે?

ગુજરાતમાં આવનારી લોકસભાની ચૂંટણીઓ માટે મતદાન થવાને હવે માત્ર એક મહિનો અને પાંચ દિવસ બચ્યા છે ત્યારે કોંગ્રેસના હાથપગ ઢીલા થવા લાગ્યા છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના મતવિસ્તાર અમરેલીમાં આજે લગભગ એક સાથે 150 કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા છે. હજી ગયા અઠવાડિયે જ અમરેલીના પૂર્વ ધારાસભ્ય હનુભાઈ ધોરાજીયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા અને હવે અમરેલીમાં જ એક સાથે 150 કાર્યકર્તાઓએ કોંગ્રેસ છોડી દીધી છે.

મળતી વિગતો અનુસાર થોડા દિવસ અગાઉ જ કોંગ્રેસે જાણીતા સહકારી આગેવાન દીપક મલાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ નિર્ણય અંગે ચર્ચા કરવા કોંગ્રેસી કાર્યકર્તાઓની મીટીંગ મળી હતી અને અહીં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો કે દીપક મલાણીને સસ્પેન્ડ કરવાના વિરોધમાં સામુહિક રાજીનામાં આપી દેવા. આ કાર્યકર્તાઓમાં વિજપડી અને આંબરડી બેઠકના જીલ્લા પંચાયતના સભ્યો પણ સામેલ છે. આ ઉપરાંત અમરેલી કોંગ્રેસના જાણીતા ચહેરાઓ લાલભાઈ મોર તેમજ રમીલાબેન માલાણીએ પણ પોતાના રાજીનામાં ધરી દીધા છે.

આમ આ રીતે અચાનક કોંગ્રેસમાંથી 150 સભ્યોના રાજીનામા પડી જતા અમરેલી વિસ્તારમાં કોંગ્રેસને બે અઠવાડિયામાં બે મોટા ફટકા પડ્યા છે. વળી, આ વિસ્તાર વિપક્ષના નેતાનો ગઢ હોવાથી કોંગ્રેસને ભારે શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું પડ્યું છે. અમરેલી વિસ્તારમાં લોકચર્ચા પણ થઇ રહી છે કે શું પરેશ ધાનાણી જેમણે ગત વિધાનસભાની ચૂંટણીમાં અમરેલી જીલ્લામાં કોંગ્રેસનો ભવ્ય દેખાવ કરાવ્યો હતો તેમના  હાથમાંથી માત્ર એક-સવા વર્ષમાં જ અમરેલી પરથી પકડ જઈ રહી છે?