Featured|દેશદેશ

કોંગ્રેસ અમારી સાથે રમત ન રમે: માયાવતીની ચેતવણી

કોંગ્રેસ અમારી સાથે રમત ન રમે: માયાવતીની ચેતવણી

જેમ જેમ લોકસભાની ચૂંટણીના પ્રથમ રાઉન્ડના મતદાનની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ કોંગ્રેસ પક્ષની હાલત દિન પ્રતિદિન નબળી થતી જાય છે. દરરોજ કોઈને કોઈ કોંગ્રેસી નેતા પક્ષ છોડીને ભાજપમાં સામેલ થઇ જાય છે. કદાચ કોંગ્રેસને પોતાનું અવનારું ભાવી અંધકારમય લાગતું હોય એવું શક્ય છે અને આથી જ તે હવે પોતાના ‘કહેવાતા સાથીદારો’ સાથે પણ રમત રમવા લાગી છે.

પરંતુ બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ કોંગ્રેસની આ રમતને પહેલેથી જ ઓળખી કાઢી છે. બન્યું એવું કે થોડા દિવસ અગાઉ કોંગ્રેસે જાહેરાત કરી હતી કે કોંગ્રેસ ઉત્તર પ્રદેશની સાત બેઠકો જ્યાં મુલાયમ સિંગ યાદવ, ડિમ્પલ યાદવ, અક્ષય યાદવ, અજીત સિંગ, જયંત ચૌધરી, માયાવતી ઉભા રહેશે તેમના વિરુદ્ધ પોતાના ઉમેદવારો ઉભા નહીં રાખે. સાતમું નામ કોંગ્રેસે જાહેર નહોતું કર્યું કારણકે કદાચ અખિલેશ યાદવ પણ પોતાનું નસીબ આવનારી લોકસભાની ચૂંટણીઓમાં અજમાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

અગાઉ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ જ્યારે ગઠબંધન જાહેર કર્યું ત્યારે તેમણે રાહુલ ગાંધીની અમેઠી અને સોનિયા ગાંધીની રાયબરેલી બેઠક પર પોતપોતાના ઉમેદવાર ન ઉભા રાખવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસને એમ હતું કે તે સાત બેઠકો પર ઉમેદવાર ઉભા ન રાખીને પાછલે બારણેથી સપા-બસપા ગઠબંધનમાં પ્રવેશ કરી જશે.

પરંતુ માયાવતીને કોંગ્રેસના આ નિર્ણયની પહેલેથી જ ગંધ આવી જતા તેમણે તરતજ ટ્વીટ કરી હતી. આ ટ્વીટમાં માયાવતીએ લખ્યું હતું કે, “BSP ફરીએકવાર પૂર્ણ રીતે સ્પષ્ટ કરી દેવા માંગે છે કે ઉત્તર પ્રદેશ સહીત સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી સાથે અમારો કોઇપણ તાલમેલ કે પછી ગઠબંધન વગેરે બિલકુલ નથી. અમારા લોકો કોંગ્રેસ પાર્ટી દ્વારા દરરોજ ફેલાવવામાં આવતા આ પ્રકારના જુદાજુદા ભ્રમમાં ફસાય નહીં.”

ત્યારબાદ માયાવતીએ એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ જો ઈચ્છે તો ઉત્તર પ્રદેશની તમામ 80 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી શકે છે. જો એમ થશે તો ભાજપને અમારું ગઠબંધન એકલે હાથે હરાવી દેશે એમ કહેવાશે.

આમ કોંગ્રેસને યા તો યુપીની તમામ બેઠકો પર ઉભા રાખવા માટે અને જીતી શકે તેવા ઉમેદવારો નથી મળી રહ્યા અથવાતો તે યેનકેન પ્રકારેણ માયાવતી અને અખિલેશ યાદવને ફોસલાવીને તેમના ગઠબંધનમાં જબરદસ્તીથી ઘૂસી જવા માંગે છે.