તાજા સમાચારગુજરાતUncategorized

ગુજરાતભરમાં ઠેરઠેર શરુ થયો હાર્દીક પટેલનો વિરોધ

હાર્દિક પટેલના કોંગ્રેસ પ્રવેશ પર પાટીદાર સમાજ અત્યંત રોષે ભરાયો છે. આજે ગુજરાતમાં ઠેરઠેર હાર્દિક પટેલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થયા હતા અને તેના પૂતળા પણ બાળવામાં આવ્યા હતા. ગાંધીનગર, કડી, કલોલ, સુરત અને રાજકોટ જેવા સ્થળોએ પાટીદાર યુવાનોએ હાર્દિક પટેલ હાય હાયના સૂત્રોચ્ચાર કરીને દરેક જગ્યાએ તેના પૂતળા બાળ્યા હતા.

અત્રે યાદ રહે કે હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવાના નિર્ણયનો વિરોધ તેના પૂર્વ સાથીઓ લાલજી પટેલ તેમજ દિનેશ બાંભણિયા બોલકો વિરોધ કરી ચૂક્યા છે અને કહી ચૂક્યા છે કે હવે હાર્દિક જ્યાં પણ જશે ત્યાં તેનો પાટીદાર સમાજ વિરોધ કરશે. ગઈકાલે પણ અમદાવાદમાં એક કાર્યક્રમમાં દરેક જગ્યાએ હાર્દિક પટેલના પોસ્ટરો જોઇને તેના સાથીદાર અલ્પેશ કથીરિયાના સમર્થકો ગુસ્સે ભરાઈ ગયા હતા અને તેમણે તેમજ હાર્દિકના સમર્થકોએ એકબીજા સાથે છુટ્ટા હાથની મારામારી કરી હતી.

રાજકોટ SPG તેમજ રાજકોટના જ લેઉવા પટેલ યુવક મંડળે શહેરની મધ્યમાં આવેલા બહુમાળી ચોક ખાતે હાર્દિક પટેલના પુતળાનું દહન કર્યું હતું. તો સુરત ખાતે અલ્પેશ કથીરિયાના સમર્થકોએ ગઈકાલે પોતાના સમર્થકોની હાર્દિક પટેલના સમર્થકો દ્વારા કરવામાં આવેલી ધોલાઈના વિરોધમાં હાર્દિકના પૂતળાનું દહન કર્યું હતું.

આમ એક વાત સ્પષ્ટ છે કે સમગ્ર પાટીદાર સમાજ અત્યારે પોતાની જાતને છેતરાયેલો અનુભવી રહ્યો છે કારણકે હાર્દિક પટેલે તેમને વચન આપ્યું હતું કે તે ક્યારેય રાજકારણમાં નહીં જોડાય. પરંતુ હાર્દિક પટેલ રાજકારણમાં જોડાયો તો ખરો જ પરંતુ ગયે અઠવાડિયે વાજતે ગાજતે રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ પક્ષમાં પણ સામેલ થઇ ગયો હતો.