Featured|દેશદેશ

ગોઆના મુખ્યમંત્રી મનોહર પાર્રીકરનું અવસાન

ગોઆના મુખ્યમંત્રી મનોહર પાર્રીકરનું અવસાન

ગોઆના મુખ્યમંત્રી મનોહર પાર્રીકરનું પણજીમાં થોડા સમય અગાઉ અવસાન થયું છે. તેઓ 64 વર્ષના. મનોહર પાર્રીકર છેલ્લા ઘણા સમયથી કેન્સર સામે લડત ચલાવી રહ્યા હતા અને અમેરિકામાં તેમનો ઈલાજ પણ થયો હતો. પરંતુ છેલ્લા લગભગ એક મહિનાથી તેમની તબિયત સતત લથડી રહી હતી અને આજે સવારથી જ તેમની તબિયત ગંભીર હોવાના સમાચાર આવ્યા હતા.

મનોહર પાર્રીકરને પેન્ક્રીયાસનું કેન્સર હતું અને ન્યૂયોર્ક બાદ દિલ્હીની AIIMS અને બાદમાં મુંબઈમાં પણ તેમનો ઈલાજ થયો હતો. ઈલાજ થયા બાદ પણ તેમની તબિયત સતત નાદુરસ્ત રહી હતી પરંતુ તેઓએ પોતાનું મુખ્યમંત્રી તરીકેની ફરજ સતત બજાવી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ભાજપ પ્રમુખ અમિત શાહે  મનોહર પાર્રીકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

અગાઉ મનોહર પાર્રીકર દેશના રક્ષા મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા. દેશની વાયુસેના માટે અત્યંત જરૂરી એવા રફેલ ફાઈટર જેટ્સનો સોદો બને તેટલો જલ્દી કરાવવા માટે તેમની મહત્ત્વની ભૂમિકા રહી હતી. આ ઉપરાંત 2016ની સર્જીકલ સ્ટ્રાઈકનો મોરચો પણ તેમણે જ સેનાના અધિકારીઓ સાથે વોર રૂમમાં સંભાળ્યો હતો.

મનોહર પાર્રીકરને ઘણીવાર ‘જનતાના મુખ્યમંત્રી’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેઓ પોતાના સાદા જીવન માટે જાણીતા હતા. વર્ષો સુધી તેમણે પોતાના જૂના સ્કુટર પર જ પોતાની ઓફિસે જવાનું પસંદ કર્યું હતું. સમય આવે તેઓ મુખ્યમંત્રીને મળતી સેવાઓ મૂકીને સામાન્ય નાગરિકની જેમ જાહેરમાં ફરતા જોવા મળતા હતા.