Featured|ગુજરાતગુજરાત

હાર્દિક અને અલ્પેશના સમર્થકો વચ્ચે મારામારી; હાર્દિક વિરોધી સુત્રોચ્ચાર

હાર્દિક અને અલ્પેશના સમર્થકો વચ્ચે મારામારી; હાર્દિક વિરોધી સુત્રોચ્ચાર

અમદાવાદમાં આજે ગોતાના પ્રસંગ પાર્ટી પ્લોટમાં પાસનું સ્નેહ મિલન હતું અને અહીં જ પાસના બે મહત્ત્વના આગેવાનો હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાના સમર્થકો વચ્ચે મારામારી થઇ હતી. આ જ કાર્યક્રમમાં હાર્દિક પટેલ હાય હાય અને કોંગ્રેસ હાય હાયના નારા લાગ્યા હતા. સ્વાભાવિક છે કે પાસના ઘણા કાર્યકર્તાઓમાં અનામત માટે હાર્દિક પટેલે શરુ કરેલા ‘બિનરાજકીય’ આંદોલન બાદ તેના કોંગ્રેસમાં જોડાઈ જવાના નિર્ણયથી ગુસ્સો છે.

ઉપરાંત આ કાર્યક્રમમાં જેટલા પણ પોસ્ટરો હતા તેમાં હાર્દિક પટેલના જ ફોટા જોવા મળતા હતા અને અલ્પેશ કથીરિયાનો એક પણ ફોટો ન હતો. આ જોતાની સાથે જ કથીરિયાના સમર્થકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને હાર્દિક અને કોંગ્રેસ વિરુદ્ધ હાય હાયના સુત્રોચ્ચાર થવા લાગ્યા હતા. વાત આગળ વધી ગઈ હતી અને હાર્દિક અને અલ્પેશના સમર્થકો વચ્ચે બાદમાં છુટ્ટા હાથની મારામારી પણ થઇ ગઈ હતી. નોંધપાત્ર વાત એ છે કે આ બધું હાર્દિક પટેલની હાજરીમાં બન્યું હતું.

પાસના અસંતુષ્ટ આગેવાન દિનેશ બાંભણિયાએ આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ સમગ્ર આયોજન જાણેકે હાર્દિક પટેલ અને કોંગ્રેસ માટે જ થયું હોય એવું લાગી રહ્યું હતું. પાસ કાર્યકર્તાઓ પણ પોતાની અંગત મહેચ્છા પૂર્ણ કરવા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો ત્યારથી જ તેના પ્રત્યે આક્રોશિત છે. અગાઉ તે ક્યારેય રાજકારણમાં નહીં જોડાય તેવું કહી રહ્યો હતો આથી તે પાસના સનિષ્ઠ કાર્યકર્તાઓ તેનાથી પહેલેથી જ ગુસ્સામાં હતા અને હવે તો વાતાવરણ એવું છે કે હાર્દિક જ્યાં જશે ત્યાં તેને પાટીદાર સમાજના રોષનો ભોગ બનવું પડશે.

લાલજી પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હાર્દિક રાજકારણમાં તો જોડાયો પરંતુ તેણે તે અગાઉ સમાજને વિશ્વાસમાં લીધો નહીં તેનું આ પરિણામ છે. લાલજી પટેલે યાદ દેવડાવ્યું હતું કે તેમણે અને હાર્દિક પટેલે એક મંચ પરથી જ સમાજને વચન આપ્યું હતું કે તેઓ ક્યારેય રાજકારણમાં નહીં જોડાય પરંતુ હાર્દિક કોંગ્રેસ તરફી થઇ ગયો અને છેવટે કોંગ્રેસમાં જોડાઈ પણ ગયો.પોતાની વ્યક્તિગત ઈચ્છાઓ પૂર્ણ કરવી હોય તો હાર્દિકે સમાજનો રોષનો ભોગ તો બનવું જ પડશે.