Featured|દેશઆયુષ્માન ભારત|દેશદેશ

‘મોદી હૈ તો મુમકીન હૈ!’ કેવી રીતે? સમજાવે છે અરુણ જેટલી

‘મોદી હૈ તો મુમકીન હૈ!’ કેવી રીતે? સમજાવે છે અરુણ જેટલી

નાણામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અરુણ જેટલી આજકાલ ‘એજન્ડા 2019’ શીર્ષક હેઠળ એક બ્લોગ સિરીઝ લખી રહ્યા છે. આ જ સિરીઝના ચોથા ભાગમાં ભાજપના સત્તામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદી સરકારે મેળવેલી સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો.

અરુણ જેટલીએ પોતાના બ્લોગમાં લખ્યું છે કે વડાપ્રધાન મોદીએ છેલ્લા પાંચ વર્ષમાં ચોવીસ કલાક અથાગ પરિશ્રમ કર્યો છે અને તેઓ સતત નવી નવી વાતો જાણવા અને સમજવા માટે ઉત્સુક હોય છે. આ જ રીતે કાર્ય કરીને અને શીખીને તેમણે વિદેશનીતિ આર્થિકનીતિ અને રાજનીતિ જેવા વિષયો પર પોતાની પકડ મજબૂત બનાવી છે. તેઓ નીતિગત મામલાઓ અંગે ચર્ચા કરવા માટે પોતાના મંત્રીઓ અને અધિકારીઓ સાથે કલાકોના કલાકો ગાળે છે અને ત્યારબાદ પોતાનો નિર્ણય લેતા હોય છે.

કર્મના સિદ્ધાંતમાં માનનારા વ્યક્તિ તરીકે ભારતીયોના મનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી અંકિત થઇ ગઈ હોવાનું જણાવતા અરુણ જેટલીએ કહ્યું હતું કે આ કારણસર જ ભાજપે આ વખતની લોકસભાની ચૂંટણીઓ માટે ‘મોદી હૈ તો મુમકીન હૈ’ નું સૂત્ર પસંદ કર્યું છે.

અરુણ જેટલીએ મોદી સરકારની છેલ્લા પાંચ વર્ષની સિદ્ધિઓ આ રીતે વર્ણવી હતી:

 • ઇતિહાસમાં પહેલીવાર ભારત સતત પાંચ વર્ષ વિશ્વના સહુથી તેજગતિએ આગળ વધતા મહત્વના અર્થતંત્રોમાં સ્થાન પામ્યું છે એટલેકે ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થામાં એક ‘સ્વિટ સ્પોટ’ બની ગયું છે.
 • છેલ્લા પાંચ વર્ષમાં પ્રત્યક્ષ કે પરોક્ષ એમ કોઇપણ કરવેરામાં વૃદ્ધિ નથી થઇ, ઉલટું, તે ઓછા થયા છે. પાંચ લાખની વાર્ષિક આવક ધરાવતા લોકોને આવકવેરામાંથી છૂટ આપવામાં આવી છે.
 • 40 લાખનું ટર્નઓવર કરતા વ્યાપારીઓએ GST ભરવાનો રહેતો નથી. જ્યારે દોઢ કરોડ જેટલું ટર્નઓવર ધરાવતા વ્યાપારીઓ માત્ર એક ટકો GST ભરે છે. પોસાય તેવા આવાસો પર પણ માત્ર એક ટકો GST ભરવાનો છે. કરનો બોજ ઓછો કરવાને લીધે કરના આધારનો વિસ્તાર થયો છે અને આવક ઝડપથી વધી રહી છે.
 • છેલ્લા વીસ મહિનામાં GSTની પ્રક્રિયા સતત વધુને વધુ સરળ બનતી ચાલી છે. GST કાઉન્સિલમાં લેવાતા તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવે છે. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે ભારતમાં કરનો દર ઘટી પણ શકે છે.
 • 2014માં દરરોજ સાત કિલોમીટરના હાઈવે બનતા હતા આજે એ આંકડો ત્રીસ કિલોમીટર પ્રતિ દિન પર પહોંચ્યો છે, આમ છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં દસ હજાર કિલોમીટરના નવા હાઈવે બન્યા છે.
 • 2014માં ફક્ત 38 ટકા ગામડાના આવાસોમાં શૌચાલય હતા આજે તે વધીને 99 ટકા પર પહોંચી છે.
 • ભારતમાં 91 ટકા ગામડાઓ રસ્તાઓ દ્વારા જોડાઈ ચૂક્યા છે. ગ્રામ સડક પર હવે ત્રણગણો વધુ ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
 • આયુષ્યમાન ભારત યોજના હેઠળ 5 લાખ રૂપિયા સુધી પ્રતિ પરિવાર વિનામૂલ્યે સારવારનું વચન આપવામાં આવ્યું છે અને તાજા આંકડાઓ અનુસાર 15.27 લાખ રોગીઓનો કેશલેસ ઉપચાર કરવામાં આવ્યો છે.
 • આઠ કરોડ આવાસોમાં LPG સિલિન્ડર અને ચૂલા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
 • દેશમાં ઈચ્છા કરનાર 100 ટકા આવાસોમાં વીજળીકરણ કરવામાં આવ્યું.
 • જન ધન યોજના હેઠળ 35 કરોડ નવા બેંક ખાતા ખોલવામાં આવ્યા. આ યોજના દુનિયાની સહુથી વિશાળ નાણાંકીય સમાવેશી યોજના બની ગઈ છે.
 • પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ ખુદનો વ્યવસાય કરવાની ઈચ્છા ધરાવનારાઓને ગેરંટી વગરની લોન આપવામાં આવી જેનાથી રોજગારી વધી. આ યોજનાનો લાભ લેનારા મહત્તમ લોકોમાં અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગો, લઘુમતીઓ તેમજ મહિલાઓ સામેલ છે.
 • 2014માં વાણિજ્યિક ઉડાનો માટે 65 એરપોર્ટ હતા આજે તે 100 થયા છે અને બહુ જલ્દી 50 બીજા ઉમેરાઈ જવાના છે.
 • ભારતમાં પણ હવે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેન ઉપલબ્ધ છે. આવનારા વષોમાં બુલેટ ટ્રેન પણ શરુ થશે. રેલયાત્રાની ગુણવત્તામાં ઘણો સારો સુધારો આવ્યો છે.
 • IBC કોડને લીધે જાણીજોઈને દેવાળું કરતા દેવાદારો પર કાબુ આવ્યો છે અને બેંકો પાસે હવે તેમના લેણા વસુલ કરવા માટે એક ઉપયુક્ત હથિયાર ઉપલબ્ધ છે.
 • આધાર કાર્ડનો સુવ્યવસ્થિત ઉપયોગ દ્વારા ગરીબો અને સરકારી યોજનાના લાભાર્થીઓને તેમની રકમ પૂર્ણરૂપે સીધા તેમના ખાતામાં જ જમા થાય છે.
 • ખેડૂતોને તેમના ખર્ચના 50 ટકાથી વધુ MSP 22 પ્રકારના પાક માટે આપવામાં આવે છે. સબસીડી વાળી પાક વીમા યોજના ઉપરાંત નાના અને સિમાંત ખેડૂતોને દર વર્ષે રૂ. 6000 સહાયતા રાશિ તરીકે આપવામાં આવે છે.
 • મનરેગા પર 60,000 કરોડ ખર્ચ કરવામાં આવતા સંસાધનો ગ્રામીણ અર્થવ્યવસ્થા સુધી પહોંચી શક્યા છે.
 • સસ્તા ભાવે દરેકને અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેની પાછળ 4 લાખ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
 • ગ્રામીણ ભારતમાં રહેતા BPL પરિવારો પાસે 2022 સુધીમાં પોતાનું ઘર હશે. દર વર્ષે પચાસ લાખ આવાસો બાંધવામાં આવી રહ્યા છે.
 • અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે રૂ. 3000નું નિવૃત્તિ પેન્શન શરુ કરવામાં આવ્યું છે જેનાથી દસ કરોડ પરિવાર લાભાન્વિત થશે.
 • UPA સરકાર દરમ્યાન ફૂગાવો જે 10% સુધી પહોંચી ગયો હતો તે આજે 2.5% સુધી નીચે આવ્યો છે.
 • દેશના ઇતિહાસમાં પહેલીવાર આર્થિકરીતે નબળા એવા સવર્ણ સમાજના લોકો માટે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 10% અનામતની જોગવાઈ કરવામાં આવી છે.
 • 2016ની સર્જિકલ સ્ટ્રાઈક અને 2019ની એરસ્ટ્રાઈક દ્વારા ભારતે દુનિયાને દેખાડી દીધું છે કે હવે તે આતંકવાદ સામેની લડાઈ ખુદ લડી શકે તેમ છે.

આમ, છેલ્લા 5 વર્ષમાં નરેન્દ્ર મોદીએ દેખાડી દીધું છે કે દેશમાં એક ઈમાનદાર સરકાર પણ ચલાવી શકાય છે અને તે કોઇપણ પ્રકારને દબાણને વશ નથી થતી અને આથી જ મોદી હૈ તો મુમકીન હૈ!