Featured|દેશદેશ

ભારતીય વાયુસેનાએ ફરીથી પાકિસ્તાનને ગભરાવી દીધું

ભારતીય વાયુસેનાએ ફરીથી પાકિસ્તાનને ગભરાવી દીધું

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં ભલે કોઈ ખાસ પ્રવૃત્તિ ન ચાલતી હોય પરંતુ ભારતીય વાયુસેના પોતાની તૈયારીમાં કોઈજ કમી રાખવા માંગતું નથી. વાયુસેનાએ ગુરુવારે રાત્રે અમૃતસર અને પંજાબના અમુક વિસ્તારોમાં પોતાની તૈયારીઓનો અભ્યાસ કર્યો હતો. પરંતુ આ તૈયારી દરમ્યાન એક જેટ ફાઈટર એટલી ઝડપે ઉડ્યું કે તેની સોનિક બૂમથી લોકોની નીંદર ઉડી ગઈ હતી.

આ અવાજ બોમ્બ જેવો મોટો હોવાથી અમૃતસરના લોકોને લાગ્યું કે ક્યાંક ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ તો શરુ નથી થઇ ગયુંને? પરંતુ આ સોનિક બૂમથી વધુ ફફડાટ સરહદ પર આવેલા પાકિસ્તાની ગામડાઓમાં ફેલાઈ ગયો હતો. ગુરુવારે રાત્રે લગભગ 1.15 વાગ્યે આ અવાજ પાકિસ્તાનમાં પણ સંભળાયો હતો. આ સોનિક બૂમની અસર પાકિસ્તાનમાં એટલી તો જબરી પડી હતી કે સરહદી ગામડાઓમાં કેટલાક ઘરોનાતો બારીના કાચ તૂટી પડ્યા હતા.

ફાઈટર જેટ વિમાન જ્યારે અવાજની ગતી કરતા પણ વધુ તેજ ગતિએ ઉડાન ભરે ત્યારે સોનિક બૂમ ઉત્પન્ન થતી હોય છે. ફાઈટર જેટ જ્યારે 1238 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિમાન હોય ત્યારે આ પ્રકારે સોનિક બૂમ સર્જાતી હોય છે. આ સોનિક બૂમ નજર સમક્ષ ફાઈટર જેટ પસાર થાય ત્યારે નથી સંભળાતી પરંતુ તેના પસાર થઇ ગયા બાદ સાંભળવામાં આવતી હોય છે.

ગયા મહીને પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખ્વા રાજ્યમાં આવેલા બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના મોટા આતંકવાદી કેમ્પ પર ભારતીય વાયુદળે સ્ટ્રાઈક કરી હતી તેના બીજા દિવસે પાકિસ્તાની ફાઈટર જેટ્સ ભારતની સીમામાં ઘૂસી આવ્યા હતા અને ભારતના વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનનું એક F16 તોડી પાડ્યું હતું.

આ ઘટના બાદ લગાતાર પાકિસ્તાનીઓ ફફડાટમાં જીવી રહ્યા છે કારણકે તેમની વાયુસેના કેટલી નબળી છે તે બાલાકોટમાં આવેલા આતંકી કેમ્પને નેસ્તનાબૂદ કરીને ભારતીય જેટ્સ કોઇપણ પ્રકારના પ્રતિકાર વગર પરત આવી ગયા ત્યારથી તેમને ખબર પડી ગઈ છે.