Featured|દેશદેશ

શિલા દિક્ષિતના નરેન્દ્ર મોદીના વખાણ કરવા પાછળનું ખરું કારણ જાણો છો?

શિલા દિક્ષિતના નરેન્દ્ર મોદીના વખાણ કરવા પાછળનું ખરું કારણ જાણો છો?

દિલ્હીના ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા શિલા દિક્ષીતે ગઈકાલે એક નિવેદન આપીને દરેકને ચોંકાવી દીધા હતા. એક ઇન્ટરવ્યુમાં શિલા દિક્ષીતે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આતંકવાદીઓને જવાબ આપવા બાબતે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંગ કરતા વધુ હિંમત દેખાડી રહ્યા છે. શિલા દિક્ષિતને મુંબઈ આતંકવાદી હુમલા અને પુલવામા હુમલા વચ્ચે શો ફરક છે એ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો.

એક તરફ કોંગ્રેસ અને અન્ય પક્ષોમાંથી દેશભરમાંથી આગેવાનોનો ભાજપ તરફનો પ્રવાહ ચાલુ છે ત્યારે ઘણા લોકોએ શિલા દિક્ષિતના વડાપ્રધાન મોદીની પ્રશંસા કરવા પાછળ પણ તેમનો ભાજપમાં જોડાવાનો કોઈ હેતુ હોઈ શકે કે કેમ એવી અટકળો લગાવી હતી. પરંતુ ખરું કારણ એ નથી.

અગાઉ નક્કી કર્યા અનુસાર દિલ્હીમાં શિલા દિક્ષિત જે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પણ છે તેમની સલાહથી રાહુલ ગાંધીએ દિલ્હીની સાત લોકસભા બેઠકો પર આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાની મનાઈ કરી દીધી હતી. એક વખત નિર્ણય લેવાઈ ગયા બાદ પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી સી ચાકોએ દિલ્હી પ્રદેશ કોંગ્રેસના સભ્યો સાથે એક સરવે કર્યો હતો અને તેના પરિણામમાં એવું કહેવામાં આવ્યું છે કે દિલ્હી કોંગ્રેસના મોટાભાગના સભ્યો આપ સાથે જોડાઈને લોકસભાની ચૂંટણી લડવા માંગે છે.

આ સરવે અંગે જેવી શિલા દિક્ષિતને જાણ થઇ કે તેઓ ગુસ્સે થઇ ગયા હતા. જ્યારે પત્રકારોએ તેમને આ અંગે સવાલ કર્યો ત્યારે તેમણે કહ્યું કે આ પ્રકારે દિલ્હી કોંગ્રેસમાં કોઈ સરવે ચાલી રહ્યો છે તેની ખબર તો તેમને અખબારો દ્વારા જ થઇ છે અને તે અંગે પત્રકારોએ પી સી ચાકોને જ પૂછવું જોઈએ. શિલા દિક્ષીતે બાદમાં ઉમેર્યું હતું કે એક વખત રાહુલ ગાંધીએ નિર્ણય લઇ લીધો પછી આ પ્રકારે સરવે કેમ થઇ રહ્યો છે તેની તેમને ખબર નથી પડતી.

જો કે પી સી ચાકો સાથે તેમને અંગતરીતે કોઈજ તકલીફ ન હોવાનું શિલા દિક્ષીતે જણાવ્યું હતું.

સત્ય હકીકત એવી છે કે દિલ્હી કોંગ્રેસમાં શિલા દિક્ષિત અને અજય માકન એમ બે જૂથ છે. અજય માકનનું જૂથ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા ઈચ્છે છે જ્યારે પોતાના પર આરોપો વરસાવીને દિલ્હીની ગાદી કબજે કરનાર અરવિંદ કેજરીવાલ સાથે બિલકુલ સંબંધ ન રાખવા પર શિલા દિક્ષિત અને તેમનું જૂથ ભાર મૂકી રહ્યું છે.

એક તરફ લોકસભાની ચૂંટણીઓ દરવાજે છે એવામાં દિલ્હી કોંગ્રેસના બે જૂથોની આપસની લડાઈ ચરમ પર છે. આવામાં શિલા દિક્ષીતે ભલે કરવા ખાતર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હોય પરંતુ આમ કરીને તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડને પોતાની નારાજગી જરૂર જણાવી દીધી છે. હવે દિલ્હીમાં અલોકપ્રિય થઇ પડેલી આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને કોંગ્રેસ દિલ્હીની સાત બેઠકો જોખમમાં મૂકે છે કે કેમ એ જોવાનું રસપ્રદ બની રહેશે.