Featured|ગુજરાતગુજરાત

BREAKING: ગુજરાત કોંગ્રેસની વેબસાઈટ પર હાર્દિકના કાળા કરતૂતો છાપરે ચડીને પોકાર્યા

430views

હજી તો હાર્દિક પટેલે કોંગ્રેસ જોઈન કરી હતી, હજી તો હાર્દિક પટેલ કોંગ્રેસના મુખ્યાલયની મુલાકાતે ગયો હતો, હજી તો હાર્દિક પટેલે પોતાની જૂની સ્ટાઈલમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર દબાણનું રાજકારણ રમવાનું શરુ કર્યું હતું ત્યાંજ ગુજરાત કોંગ્રેસની વેબસાઈટ પર તેના  કાળા કરતૂતો છાપરે ચડીને પોકારવા લાગ્યા હતા.

હમણાં થોડા જ સમય અગાઉ ગુજરાત કોંગ્રેસની વેબસાઈટ હેક થઇ હોવાના સમાચાર સોશિયલ મિડિયા પર વાયરલ થઇ ગયા હતા. ગુજરાત કોંગ્રેસની વેબસાઈટની મુલાકાત લેવા જતા ખ્યાલ આવ્યો હતો કે તેના હોમ પેઈજ પર હાર્દિક પટેલનો જૂનો અશ્લિલ વિડીયોમાંથી લેવાયેલો સ્ક્રિનશોટ હતો જેની નીચે લખ્યું હતું, “Welcome our new leader”.

ગુજરાત કોંગ્રેસની વેબસાઈટની વધુ ચકાસણી કરતા ખબર પડી હતી કે અહીં માત્ર સ્ક્રિનશોટ જ નહીં પરંતુ તેની એ વિડીયો ક્લિપ પણ મૂકવામાં આવી છે. યાદ રહે હાર્દિક પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ નાટક કરતા પાટીદાર આંદોલનમાં મૃત્યુ પામેલા કાર્યકર્તાઓની યાદમાં માથું મૂંડાવ્યું હતું અને તેના થોડા જ દિવસો બાદ તેની અશ્લિલ વિડીયો ક્લિપ સોશિયલ મિડિયામાં ફરતી થઇ ગઈ હતી. આજે એ અસંખ્ય વિડીયો ક્લિપ્સમાંથી એક ગુજરાત કોંગ્રેસની આધિકારિક વેબસાઈટ પર જોવા મળી હતી.

ગુજરાત કોંગ્રેસની વેબસાઈટ ગયે મહીને પણ બે વખત હેક થઇ હતી જેમાં પહેલીવાર કોંગ્રેસને લુંટારૂઓની પાર્ટી ગણાવવામાં આવી હતી. તેના બે દિવસ બાદજ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના ફોટા સાથે જૂની ફિલ્મનું પોસ્ટર લગાડીને બંને પર આરોપો મુકવામાં આવ્યા હતા.

ચૂંટણીની મોસમમાં જ્યારે કોઈ પક્ષની વેબસાઈટ હેક થાય ત્યારે સ્વાભાવિક રીતે વિરોધ પક્ષ પર તેનો આરોપ લગાવવામાં આવતો હોય છે, પરંતુ અહીં કોંગ્રેસે પોતાનું ઘર સંભાળવાની જરૂર છે. એક વખત તો વેબસાઈટ હેક થાય, કદાચ બે વખત પણ થાય પરંતુ ત્રણ-ત્રણ વખત વેબસાઈટ જો  હેક થાય તો પછી એ હેકર કદાચ ગુજરાત કોંગ્રેસનો અંતર્ગત ભાગ જ હોય એની શક્યતા વધુ છે.

વળી, આ વખતે હેકિંગનું ટાઈમિંગ પણ ઉપરોક્ત દલીલને સમર્થન આપે છે કારણકે હાર્દિક પટેલની એન્ટ્રી થયે હજી માંડ અઠવાડિયું પણ નથી થયું એવામાં તેની જૂની વિડીયો ક્લિપ સાઈટને હેક કરીને પબ્લિશ કરવામાં આવી છે. શું એનો મતલબ એવો છે કે ગુજરાત કોંગ્રેસનું કોઈ મોટું માથું હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવાથી ખુશ નથી? અને આ જ વ્યક્તિએ ગુજરાત કોંગ્રેસ આઈટી સેલમાંથી કોઈને ફોડીને હાર્દિક પટેલ વિરુદ્ધ કાવતરું રચતા તેની વિડીયો ક્લિક પ્રદેશ કોંગ્રેસની ઓફિશિયલ સાઈટ પર વહેતી કરી દીધી હોય?

તો બીજી તરફ હાર્દિક પટેલની પરિસ્થિતિ પણ આ ઘટના બાદ કફોડી થશે તેને હવે ખબર પડશે કે આંદોલન ચલાવીને ગુજરાતમાં 25 વર્ષથી સત્તા માટે ટટળી રહેલા કોંગ્રેસી નેતાઓ પર દબાણ લાવવું કદાચ આસાન છે જ્યારે પક્ષમાં રહીને વર્ષોથી રાજકારણના અઠંગ ખેલાડીઓ બની ચૂકેલા કોંગ્રેસી આગેવાનોનો સામનો કરવો અલગ વાત છે.

શક્યતાઓ બધી જ છે જેમાંથી એક પણ શક્યતાને નકારી શકાય તેમ નથી કારણકે ગુજરાત કોંગ્રેસનો જૂથવાદ દાયકાઓ જૂનો છે અને અહીં ટાંટિયાખેંચ કોઈ નવાઈ નથી. આવામાં નવાનવા કોંગ્રેસી બનનારા હાર્દિક પટેલનું સ્વાગત કોંગ્રેસી જૂથવાદે અનોખી રીતે કર્યું હોય એવું લાગી રહ્યું છે.

હાલમાં તો બે મહિનામાં ત્રીજા હેકિંગને લીધે સખત આઘાતમાં આવી ગયેલી ગુજરાત કોંગ્રેસે પોતાની વેબસાઈટ જ બંધ કરી દીધી છે. જ્યારે ગુજરાતમાં મતદાનને એક મહિનાથી થોડા જ દિવસો બાકી હોય ત્યારે એક દિવસ પણ કોઈ રાજકીય પક્ષની વેબસાઈટ બંધ રહે તે એ રાજકીય પક્ષને કેવી રીતે પોસાય?