Featured|દેશદેશ

લોકસભા ચૂંટણી 2019 માં ભાજપ ને મળશે બમ્પર સીટો : જાણો અમિત શાહનું ગણિત

લોકસભા ચૂંટણી 2019 માં ભાજપ ને મળશે બમ્પર સીટો : જાણો અમિત શાહનું ગણિત

આવનારી લોકસભાની ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આશ્વસ્ત છે. છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે કરેલા પ્રજાજોગ કલ્યાણકારી કાર્યોને લીધે તો અમિત શાહને ફરીથી કેન્દ્રમાં ભાજપના નેતૃત્ત્વ હેઠળ NDA સરકાર બનાવવાનો વિશ્વાસ તો છે જ પરંતુ તેમની પાસે એક સાદું ગણિત પણ છે જેને આધારે તેઓ કહી રહ્યા છે કે ‘અબકી બાર ફિર સે મોદી સરકાર.’

હાલમાં એક અંગ્રેજી અખબારને અમિત શાહે ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ ઇન્ટરવ્યુમાં અમિત શાહે કેટલાક આંકડાઓ આપ્યા હતા. અમિત શાહનું કહેવું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં ભાજપની 6 માંથી 16 રાજ્ય સરકારો બની છે. ભાજપ દેશભરમાં ભૌગોલિકરીતે પણ 12 ટકાથી વધીને 50 ટકા સુધી પહોંચ્યો છે. આ પાંચ વર્ષમાં ભાજપના કાર્યકર્તાઓની સંખ્યા પણ 2.4 કરોડથી વધીને 11 કરોડ સુધી પહોંચી છે.

અમિત શાહનું આગળ કહેવું હતું કે નરેન્દ્ર મોદી સરકારની છેલ્લા પાંચ વર્ષની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી દેશભરમાં લગભગ 22 કરોડ પરિવારોને લાભ મળ્યો છે, આમ 22 કરોડ પરિવારો અને 11 કરોડ કાર્યકર્તાઓ હાલમાં ભાજપ સાથે છે. કેન્દ્રમાં સરકાર બનાવવા માટે કોઇપણ પક્ષને લગભગ 17 કરોડ મતની જરૂર પડે છે એમ અમિત શાહનું કહેવું હતું.

આમ અમિત શાહનું સાદું ગણિત એમ કહે છે કે જ્યારે કેન્દ્રમાં સરકાર બનાવવા જરૂરી મત કરતા પણ વધુ મત આજે ભાજપના સમર્થનમાં છે ત્યારે ભાજપની સરકાર બનાવવાની શક્યતાઓ વધી જાય છે. અમિત શાહે અગાઉ પણ વિવિધ વિધાનસભાઓની ચૂંટણીઓમાં આ પ્રકારે વિજયનો આત્મવિશ્વાસ દેખાડ્યો હતો અને મોટાભાગના કિસ્સાઓમાં તેઓ સાચા પડ્યા છે. અમિત શાહને ચુનાવી રણનીતિના ચાણક્ય કદાચ એમનેમ જ નહીં કહેવાતા હોય.