Featured|ગુજરાતગુજરાત

આજથી અમદાવાદ મેટ્રોમાં થનારા મહત્ત્વના ફેરફારો જે તમારે જાણવા જોઈએ

અમદાવાદ મેટ્રો આજથી શરુ, 10 દિવસ ફ્રી મુસાફરી

ગત 4 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદીઓ જેની ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મેટ્રો ટ્રેન વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધી દોડે છે. અમદાવાદ મેટ્રોના ઉદ્ઘાટન થયાના દસ દિવસ સુધી તેને પ્રવાસીઓ માટે નિશુલ્ક ચલાવવામાં આવી હતી, પરંતુ આજથી એટલેકે 15 માર્ચથી અમદાવાદ મેટ્રોમાં સફર કરવા માટે આપને નાણા ચુકવવા પડશે.

એક આંકડા અનુસાર આ દસ દિવસોમાં લગભગ 75 હજાર નાગરિકોએ અમદાવાદ મેટ્રોની નિશુલ્ક સફરનો લાભ લીધો હતો, જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમદાવાદ મેટ્રોમાં માત્ર મહિલાઓએ જ સફર કરી હતી. હાલમાં વસ્ત્રાલ ગામ અને એપરલ પાર્કની મુસાફરી કરવા માટે મુસાફર દીઠ રૂ. 10નું ભાડું અમદાવાદ મેટ્રોના સત્તાધીશો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. અત્યારે માર્ગમાં આવતા સ્ટેશનોના બાંધકામને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હોવાથી અમદાવાદ મેટ્રો વચ્ચે કોઇપણ સ્ટેશને રોકાશે નહીં તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

આ મહિનાના અંત સુધીમાં નિરાંત ચોકડી અને અમરાઈવાડી સ્ટેશનનું કાર્ય પૂર્ણ થતા અમદાવાદ મેટ્રો આ બંને સ્ટેશનોએ રોકાશે. આ બંને સ્ટેશનોનું ફિનિશિંગ વર્ક હાલમાં ચાલી રહ્યું છે જે આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થશે. જ્યારે આવતા મહિનાના અંત સુધીમાં વધુ બે સ્ટેશનો, રબારી કોલોની અને વસ્ત્રાલનું કામ પણ પૂર્ણ થશે અને ત્યારબાદ આ બંને સ્ટેશનોને પણ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે.

અત્રે એ યાદ દેવડાવવું જરૂરી છે કે અમદાવાદ મેટ્રો દરેક સ્ટેશને ત્રીસ સેકન્ડ માટે ઉભી રહેશે અને તેના દરવાજા ઓટોમેટિકલી ખુલે છે અને બંધ થાય છે.