Featured|દેશદેશ

કંદહાર હાઈજેક અને અજીત ડોવલ અંગે રાહુલ ગાંધી જુઠ્ઠું બોલ્યા

કંદહાર હાઈજેક અને અજીત ડોવલ અંગે રાહુલ ગાંધી જુઠ્ઠું બોલ્યા

રાહુલ ગાંધીએ બે દિવસ અગાઉ એવો દાવો કર્યો હતો કે ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઈટને જ્યારે હાઈજેક કરીને કંદહાર લઇ જવામાં આવી હતી અને પ્રવાસીઓના બદલામાં આતંકવાદી મસૂદ અઝહરને છોડવામાં આવ્યો હતો ત્યારે અત્યારના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલ મસૂદ અઝહરની સાથે ગયા હતા.

રક્ષા મંત્રાલય તેમજ નાણામંત્રી અરુણ જેટલીએ રાહુલ ગાંધીના આ દાવાને ખોટો સાબિત કર્યો છે. અરુણ જેટલીએ એક ટીવી ચેનલના કાર્યક્રમમાં માહિતી આપી હતી કે આતંકવાદીઓને કંદહાર લઇ જનારા પ્લેનમાં અજીત ડોવાલ સામેલ ન હતા બલ્કે તેઓ આતંકવાદીઓને છોડવામાં આવ્યા તેના ચાર દિવસ અગાઉ જ અપહરણકારો સાથે ચર્ચા કરવા માટે કંદહાર પહોંચી ગયા હતા.

આ સમયે અજીત ડોવાલ IBમાં એડીશનલ ડિરેક્ટર હતા અને તેમની પાસે માત્ર ચર્ચા કરવાનો અધિકાર હતો નહીં કે કોઈ નિર્ણય લેવાનો. એક અન્ય ઇન્ટરવ્યુમાં જે આજથી દસ વર્ષ અગાઉ લેવામાં આવ્યો હતો તેમાં પણ અજીત ડોવાલે કહ્યું હતું કે તેમને અપહરણકારો સાથે વાટાઘાટો કરવા માટે જ કંદહાર મોકલવામાં આવ્યા હતા. તેમના ગયા બાદ જ અપહરણકારોએ પાયલોટ સાથે વાતચીત કરવા દીધી હતી અને એ પણ અમુક સેકન્ડ્સ માટે જેથી દિલ્હીમાં ખબર પડે કે તમામ યાત્રીઓ સુરક્ષિત છે કે કેમ.

અરુણ જેટલી ઉપરાંત તે સમયના RAW ચીફ દુલતના પુસ્તક માય કન્ટ્રી માય લાઈફ એન્ડ કાશ્મીર: ધ વાજપેયી યર્સમાં પણ આ જ બાબતને સમર્થન આપવામાં આવ્યું છે. ખરેખર તો મસૂદ અઝહર અને અન્ય બે આતંકવાદીઓ સાથે તે સમયના વિદેશમંત્રી જસવંત સિંગ ગયા હતા.

કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો એ દાવો પણ ખોટો સાબિત થયો છે કે વાજપેયી સરકારે પોતાની રીતે આતંકવાદીઓને છોડી મુકવાનો નિર્ણય લીધો હતો. ખરેખર તો તે સમયે સરકાર પર પ્રવાસીઓના સગાંઓનું એટલું બધું દબાણ હતું કે વાજપેયીએ એક સર્વદલીય બેઠક બોલાવી હતી અને તેમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે અપહરણકારોની માંગ સ્વીકારી લેવામાં આવે જેથી તમામ પ્રવાસીઓ સુખરૂપ વતન પરત ફરી શકે.

આ સર્વદલીય બેઠકમાં મંજૂરી મળ્યા બાદ જ વાજપેયી સરકારે મસૂદ અઝહર અને અન્ય બે ખૂંખાર આતંકવાદીઓને છોડવાનો નિર્ણય લીધો હતો. આમ રાહુલ ગાંધીએ વગર કોઈ અભ્યાસ કરે ભાજપની તે સમયની સરકાર પર આરોપ મૂક્યો હોવાનું સ્પષ્ટ થઇ જાય છે.