Featured|દેશદેશ

‘હાથને’ માયાવતીનો અંગૂઠો; અન્યત્ર પણ સાથીદારો મળવા મુશ્કેલ

262views

એક સમયે દેશના દરેક હિસ્સામાં જેનો દબદબો હતો તે કોંગ્રેસ આજે દરરોજ અપમાન સહન કરી રહી છે અને કોઇપણ રાજકીય પક્ષને તેની પડી જ ન હોય એવું લાગી રહ્યું છે. કોંગ્રેસના વિરોધીઓ તો તેનો વિરોધ કરે જ એ સ્વાભાવિક છે પરંતુ તેના ‘કહેવાતા’ સાથીદારો પણ તેનો સાથ છોડીને જઈ રહ્યા છે અથવાતો તેનાથી એક સલામત અંતર દાખવી રહ્યા છે. કોંગ્રેસથી અંતર જાળવી રાખવામાં નવું નામ જોડાયું છે માયાવતીનું.

માયાવતીએ મંગળવારે એ સ્પષ્ટ કર્યું હતું કે આવનારી લોકસભાની ચૂંટણીઓમાં તે કોઇપણ રાજ્યમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. માયાવતીના કહેવા અનુસાર ઉત્તર પ્રદેશમાં પણ ભાજપને હરાવવા માટે સપા સાથે તેમનું ગઠબંધન જ પૂરતું છે અને તેમાં કોંગ્રેસને જોડવાની કોઈજ જરૂર નથી. જો કે સપા-બસપાએ કોંગ્રેસ પરિવારની પરંપરાગત બેઠકો અમેઠી અને રાયબરેલી પર પોતાના ઉમેદવારો ઉભા ન રાખવાનો પણ નિર્ણય લીધો છે.

પરંતુ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન ઉપરાંત મહારાષ્ટ્રના અમુક ભાગોમાં જ્યાં બહુજન સમાજ પાર્ટીની થોડીઘણી હાજરી દેખાતી હોય છે ત્યાં તે કોંગ્રેસ સાથે જોડાવાની નથી તેવું માયાવતીના નિવેદન પરથી સ્પષ્ટ થઇ ગયું છે. મધ્ય પ્રદેશમાં બસપાએ સપા સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી હતી.

આ  નિર્ણય લેવા પાછળ માયાવતીનું માનવું છે કે જ્યારે પણ કોંગ્રેસ સાથે તેમની પાર્ટીનું ગઠબંધન થાય છે ત્યારે બસપાના મત તો આરામથી કોંગ્રેસમાં ટ્રાન્સફર થઇ જતા હોય છે પરંતુ કોંગ્રેસના મતો બસપાને મળતા નથી, ઉલટું કોંગ્રેસના મતો અન્ય પાર્ટીઓમાં જતા રહે છે. માયાવતીનું સ્પષ્ટપણે માનવું છે કે બસપા અન્ય રાજકીય પાર્ટીઓ સાથે હાથ મેળવવા માટે હકારાત્મક વલણ ધરાવે છે પરંતુ પોતાના નુકસાનના આધારે તો નહીં જ.

બીજી તરફ પશ્ચિમ બંગાળમાં પણ વામપંથીઓ સાથે કોંગ્રેસનું ગઠબંધન પણ ઘાંચમાં પડ્યું છે. અહીંના સ્થાનિક વામપંથીઓ કોંગ્રેસ માટે એક બેઠક પણ જતી કરવા માટે તૈયાર નથી. આવામાં કોંગ્રેસે અહીં પણ એકલેહાથે લડવું પડે તેવી હાલત થઇ ગઈ છે. હાલપૂરતું કોંગ્રેસને બિહારમાં જ રાષ્ટ્રીય જનતા દલ અને તેના સાથી પક્ષોનો ટેકો છે, જ્યારે કર્ણાટકમાં હજી સુધી કુમારસ્વામી સાથે વાત પાટે ચડી નથી. તમિલનાડુમાં કોંગ્રેસને DMKનો સાથ મળ્યો છે પરંતુ કોંગ્રેસ ખુદ ગણીગાંઠી બેઠકો પર જ ચૂંટણી લડી રહી છે.