Featured|ગુજરાતગુજરાત

પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં ભાજપે પાડ્યું મોટું ગાબડું

પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં ભાજપે પાડ્યું મોટું ગાબડું

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ ગણાતા અમરેલીમાં આજે ભાજપે એક મોટું ગાબડું પાડ્યું છે. પૂર્વ ધારાસભ્ય હનુભાઈ ધોરજીયા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે અગાઉ હનુભાઈ ધોરજીયા ભાજપમાં જ હતા.

ભાજપના પ્રદેશ મુખ્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ભાજપનો કેસરિયો ખેસ પહેરાવીને હનુભાઈ ધોરજીયાનું પક્ષમાં સ્વાગત કર્યું હતું. હનુભાઈ ધોરજીયાને ભૂતકાળમાં શ્રેષ્ઠ વિધાનસભ્યનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. પોતાના કાર્યકાળ દરમ્યાન હુનુભાઈ ધોરજીયા અમરેલી-લાઠી વિધાનસભા બેઠકમાંથી વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા.

ભાજપમાં જોડાયા બાદ હનુભાઈ ધોરજીયાએ પત્રકારો સમક્ષ એક મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે હાલમાં જ કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલ અગાઉથી જ કોંગ્રેસના ઈશારે જ કામ કરતા હતા. હનુભાઈએ પોતે પણ પાટીદાર આંદોલન દરમ્યાન હાર્દિક પટેલ માટે ઘણી મહેનત કરી હોવાનું આજે સ્વીકાર્યું હતું.

હનુભાઈ ધોરજીયાનો અનુભવ અને તેમની અમરેલી લોકસભા વિસ્તારમાં રહેલી લોકપ્રિયતાને જોઇને અત્યારે તો એ મોટેભાગે નક્કી થઇ જ ગયું છે કે અમરેલી જે વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો ગઢ ગણાય છે ત્યાં આવનારી લોકસભાની ચૂંટણીમાં હાર નિશ્ચિત છે. યાદ રહે ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે અમરેલી જીલ્લામાં અભૂતપૂર્વ દેખાવ કર્યો હતો. પરંતુ હવે તેના જ એક પૂર્વ ધારાસભ્ય અને અમરેલી વિસ્તારમાં સારીએવી પહોંચ ધરાવતા હનુભાઈ ધોરજીયા ભાજપમાં જોડાતા અહીંના સમીકરણો ભાજપ તરફી બનશે તેમાં શંકાને કોઈજ સ્થાન નથી.