Featured|દેશદેશ

જે ઉત્તર ભારતમાંથી પરિવારે મત લીધા તે જ રાહુલ માટે નકામું

જે ઉત્તર ભારતમાંથી પરિવારે મત લીધા તે જ રાહુલ માટે નકામું

કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ બુધવારે ચેન્નાઈની સ્ટેલા મેરીઝ કોલેજની વિદ્યાર્થીનીઓને સંબોધન કરતા વિવાદાસ્પદ વિધાન કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દક્ષિણ ભારતમાં ઉત્તર ભારત કરતા મહિલાઓનું સન્માન વધુ થાય છે. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે મહિલાઓના સન્માનની દ્રષ્ટિએ તમિલનાડુ એક આગેવાન રાજ્ય છે.

જો કે સોશિયલ મિડિયા પર રાહુલ ગાંધીના આ નિવેદનનો નકારાત્મક પ્રતિઘાત પડ્યો હતો. કેટલાક લોકોએ રાહુલ ગાંધીની ટીકા કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પ્રમુખે સીધી રીતે ઉત્તર ભારતીયોનું અપમાન કર્યું છે. તો કેટલાક લોકોનું માનવું હતું કે રાહુલ ગાંધી ઉત્તર અને દક્ષિણ વચ્ચે ઝઘડો કરાવવા માંગે છે.

અહીં કેટલીક બાબતો ખાસ નોંધવા જેવી છે. એક તરફ રાહુલ ગાંધી પોતાને ભારતના આગામી વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છે અને બીજી તરફ તેઓ માત્ર મત મેળવવા માટે ભારતના એક હિસ્સાને અન્ય હિસ્સા કરતા ચડિયાતો ગણાવી રહ્યા છે. શું દેશના વડાપ્રધાન બનવાનો મોકો જો રાહુલ ગાંધીને મળશે તો તેઓ આ જ રીતે ભાગલા પડાવીને શાસન કરશે?

બીજું, રાહુલ ગાંધીનું સમગ્ર પરિવાર અલ્હાબાદથી માંડીને અમેઠી અને રાયબરેલીથી ચૂંટણી જીતતું આવ્યું છે, ખુદ રાહુલ ગાંધી પણ અમેઠીના જ સંસદ સભ્ય છે. આ તમામ બેઠકો ઉત્તર પ્રદેશમાં જ આવેલી છે, તો ઉત્તર પ્રદેશના લોકોના મત તો રાહુલજીને જોઈએ છીએ પરંતુ જ્યારે તેઓ દક્ષિણ ભારતમાં જાય છે ત્યારે તેઓ પોતાના જ પ્રદેશને ઉતરતો ગણાવે છે? આ રીતે રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની કરોડો મહિલાઓનું અપમાન નથી કર્યું?

અગાઉ રાહુલ ગાંધીના પક્ષના જ નેતા નવજોત સિંગ સિદ્ધુએ પણ આ રીતે જ દક્ષિણ ભારતીયોનું અપમાન કર્યું હતું જ્યારે તેમણે એમ કહ્યું હતું કે તેમને પાકિસ્તાન દક્ષિણ ભારત કરતા પણ વધુ ગમે છે કારણકે પાકિસ્તાનનું ખાનપાન અને સંસ્કૃતિ ઉત્તર ભારત સાથે વધુ મળતી આવે છે નહીં કે દક્ષિણ ભારત સાથે.

શું આવનારી લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ પોતાનો ભાગલાવાદી એજન્ડા લઈને ઉતરવાની છે? આવો સવાલ દેશના કોઇપણ જાગૃત નાગરિકને હાલમાં થતો જ હશે. આશા કરીએ કે બહુ જલ્દીથી લોકો કોંગ્રેસના આ છૂપા એજન્ડાથી પરિચિત થઇ જાય અને તેમણે આવનારી ચૂંટણીઓમાં આવી ભાગલાવાદી પાર્ટીને મત આપવો છે કે પછી દેશને એક અને સુરક્ષિત રાખવા વચનબદ્ધ પાર્ટીને મત આપવો છે તે નક્કી કરી લે.