Featured|દેશદેશ

RSS ના બહાને ગુજરાતીઓની મશ્કરી કરતા જાવેદ અખ્તર

RSS ના બહાને ગુજરાતીઓની મશ્કરી કરતા જાવેદ અખ્તર

જાવેદ અખ્તર અને વિવાદ એકબીજાના પર્યાય બની રહ્યા છે. આ પાછળ ઘણા કારણો છે. એક કારણ છે જાવેદ અખ્તરનો RSS, ભાજપ અને નરેન્દ્ર મોદી પ્રત્યેનો અનહદ દ્વેષ અને બીજું કારણ એ છે કે તેઓ સમય અને વિષયનું ભાન રાખ્યા વગર દરેક મુદ્દે પોતાનું મંતવ્ય આપી દેવા માટે ઉતાવળા થતા હોય છે. ઘણીવાર તો કોઈ મુદ્દો પણ ઉપસ્થિત ન હોય તો પણ જાવેદ અખ્તર પોતાનું મંતવ્ય આપીને વિવાદ ઉભો કરી દેતા હોય છે.

આવી જ રીતે જાવેદ અખ્તરે જરૂર ન હતી તેમ છતાં ગુજરાતીઓની મશ્કરી કરી છે. જો કે આ પાછળ તેમનો હેતુ RSS અને નરેન્દ્ર મોદીનું અપમાન કરવાનો હતો પરંતુ જાણે અજાણે તેમણે પોતાની વાતમાં ગુજરાતીઓને ઘસડ્યા છે. એક મુલાકાતમાં જાવેદ અખ્તરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપી હતી કે તેઓએ સેનામાં એક ‘ગુજરાત રેજીમેન્ટ’ શરુ કરવી જોઈએ જેથી તેમાં RSSના સ્વયંસેવકોની  ભરતી કરી શકાય.

આ પાછળ જાવેદ અખ્તરના બે હેતુ હતા. એક તો તેમને એમ કહેવું હતું કે રાષ્ટ્રનિર્માણમાં RSSનું કોઈજ પ્રદાન નથી એટલે હાલમાં પાકિસ્તાન સામે યુદ્ધ કરવાની માંગ થઇ રહી છે એમાં સૈનિકોને મોકલવાને બદલે RSSના સ્વયંસેવકોને મોકલવા જોઈએ કારણકે યુદ્ધનો ઉન્માદ તેણે શરુ કર્યો છે. જાવેદ અખ્તરનો બીજો હેતુ એ હતો કે RSSના બહાને ગુજરાતીઓની પણ મશ્કરી કરવામાં આવે કારણકે વડાપ્રધાન મોદી ગુજરાતી છે અને દેશમાં એવી એક કલ્પના વ્યાપ્ત છે કે ગુજરાતીઓ સેનામાં જવાનું પસંદ કરતા નથી.

જાવેદ અખ્તરની વાત પર ચર્ચા કરીએ તે પહેલા એ જાણી લઈએ કે સેનામાં રહેલી વિવિધ રેજીમેન્ટ કેમ અસ્તિત્વમાં આવી? ખરેખર તો આ રેજીમેન્ટ સિસ્ટમ અંગ્રેજો દ્વારા શરુ કરવામાં આવી હતી. આ પાછળ અંગ્રેજોનો હેતુ સેના ને પણ જાતિગત વહેંચી નાખવાનો હતો અને તેઓ એવું વિચારતા હતા કે ભારતની અમુક જાતિઓ યુદ્ધ લડવા માટે જ જન્મી છે આથી તેના નામે રેજીમેન્ટ હોવી જોઈએ.

પરંતુ જાવેદ અખ્તરને એ વાતનો કદાચ ખ્યાલ નથી કે આઝાદ ભારતમાં પહેલી સરકાર દ્વારા જ નિર્ણય લેવામાં આવ્યો હતો કે જાતિગત ભેદભાવ દેખાડતી હોવાને લીધે દેશમાં હવે એક પણ નવી રેજીમેન્ટ ઉભી કરવામાં નહીં આવે. આમ જાવેદ અખ્તરની એ દલીલ અહીં બિલકુલ નથી ચાલતી કે એક નવી રેજીમેન્ટ ઉભી કરવી જોઈએ.

હવે જો જાવેદ અખ્તર ગુજરાતીઓના સેનામાં ન હોવાની કલ્પનામાં રાચતા હોય તો તેમને ખબર નથી કે બે વર્ષ અગાઉ સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે પણ આ પ્રકારની ટીપ્પણી કરી હતી અને બાદમાં જ્યારે આંકડાઓ બહાર આવ્યા ત્યારે તેમને શરમાવું પડ્યું હતું. ગુજરાતીઓ પણ છેલ્લા ઘણા વર્ષોથી સેનાના ભરતીમેળાઓમાં મોટી સંખ્યામાં હાજરી પણ આપે છે અને સિલેક્ટ પણ થાય છે.

બે સેકન્ડ માટે એવું માની પણ લઈએ કે ગુજરાતીઓની સંખ્યા સેનામાં ઓછી છે તો શું ગુજરાતીઓનું દેશના આર્થિક વિકાસમાં રહેલા પ્રદાનને અવગણી શકાય ખરું? શું માત્ર સરહદની રક્ષા કરવી જ દેશપ્રેમ છે? દેશના વ્યાપાર વાણિજ્યને એકલેહાથે ઉપાડીને વિશ્વ સ્તરે લઇ જવા અને દેશની આર્થિક પરિસ્થિતિને મજબૂત બનાવવી તેને દેશસેવા ન કહેવાય?

જાવેદ અખ્તરે ભૂતકાળમાં દેશભક્તિથી તરબતર એવા ઘણા ફિલ્મી ગીતો લખ્યા છે તો શું એ તેમની દેશસેવા ન ગણાય? જો એવું જ હોય તો જાવેદ અખ્તર ખુદ સેનામાં કેમ ભરતી નથી થઇ જતા? ટૂંકમાં કહી શકાય કે જેનું કામ જે કરે. જો કે જાવેદ અખ્તરની એ દલીલ પણ ખોટી છે કે ગુજરાતીઓની સંખ્યા સેનામાં ઓછી છે.

જ્યાં સુધી RSSનો સવાલ છે તો જાવેદ અખ્તરનો એ ભૂતકાળ રહ્યો છે કે તેઓ કોઇપણ કારણ વગર RSSની ટીકા કરવાનો એક પણ મોકો છોડતા નથી, પરંતુ જ્યારે આ જ RSS ધરતીકંપ, પૂર અથવાતો દુષ્કાળના કાર્યમાં જાતિ અને ધર્મના ભેદભાવ જોયા વગર મૂંગા મોઢે રાહતકાર્ય કરતું હોય છે અને એ પણ દિવસો સુધી ત્યારે જાવેદ અખ્તર ચૂપ બેસી રહેવાનું વધુ પસંદ કરતા હોય છે.