Featured|દેશદેશ

એટલે હવે ભારતમાતા કી જય બોલવા પર પણ કોંગ્રેસનો કોપીરાઈટ?

એટલે હવે ભારતમાતા કી જય બોલવા પર પણ કોંગ્રેસનો કોપીરાઈટ?

એવું લાગે છે કે કોંગ્રેસને આખા ભારત દેશ પર પોતાનો કોપીરાઈટ જમાવી દેવો છે. છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસના નેતાઓ એવો દાવો કરતા હોય છે કે દેશને આઝાદી તેમના પક્ષે અપાવી અને ભાજપ એના વિષે કશું બોલી ન શકે. મુદ્દો એ છે કે આઝાદીની લડત સમયે ભાજપનો જન્મ પણ નહોતો થયો તો પછી કોંગ્રેસ શા માટે એ અંગે ભાજપને ચર્ચામાં ઢસડે છે. આવી જ રીતે દેશને લગતી બાબતો પર કોંગ્રેસ પોતાનો હક્ક જમાવતી હોય છે.

ગઈકાલે અમદાવાદ પાસે આવેલા અડલજમાં કોંગ્રેસની એક રેલી યોજાઈ ગઈ હતી જેમાં ગુજરાત વિધાનસભામાં વિપક્ષના ભૂતપૂર્વ નેતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે પણ ભાષણ કર્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેમજ ભાજપના અન્ય નેતાઓ પર નિશાન તાંકીને કહ્યું હતું કે ‘ભારતમાતા કી જય’ એ ખરેખર તો કોંગ્રેસે આપેલો નારો હતો!

ગોહિલે આગળ જણાવ્યું હતું કે અમે સ્વતંત્રતા સંગ્રામ લડ્યો હતો જ્યારે ‘તેમના’ પરિવારમાંથી તેમાં કોઈ પણ ન હતું જેમના નામનો તેઓ ઉપયોગ કરી શકે અને આથી જ તેઓ કોંગ્રેસના નેતાઓનો ઉપયોગ કરી રહ્યા છે. આ પાછળ ગોહીલનો ઈશારો ગાંધીજી અને સરદાર પટેલ માટે વડાપ્રધાન મોદીના વિચારો અંગે હતો. ગોહિલનું કહેવું હતું કે આ પ્રકારે જ તેઓ કોંગ્રેસના સુત્રોનો પણ ઉપયોગ કરે છે જેમકે ભારત માતા કી જય એ ખરેખર તો કોંગ્રેસનું સૂત્ર હતું જ્યારે તે આઝાદીની લડત લડી રહી હતી.

શું હવે દેશપ્રેમ કરવો એ પણ કોંગ્રેસનો અધિકાર છે? ભારત માતા કી જય એ ભલે સ્વતંત્રતા સંગ્રામના સમયનો નારો હોય પણ શું આઝાદ ભારતમાં અન્ય કોઈને આ નારો બોલવાનો અધિકાર નથી? શું માત્ર કોંગ્રેસીઓ અને તેમના ટેકેદારો જ ભારત પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવવા ભારત માતાની જય બોલાવી શકે છે?

લાગે છે કે કોંગ્રેસ ખરેખર આ વખતે લોકસભાની ચૂંટણીઓ માટે મુદ્દાઓથી વંચિત રહી ગઈ છે. એક તરફ તેના સાથીઓ પણ તેને સમર્થન નથી આપતા અને રફેલ મામલો જેમાં કશુંજ ન હતું તેમ છતાં કોંગ્રેસ પ્રમુખ તેને વારેવારે ઉઠાવવાની કોશિશ કરી રહ્યા હતા તેમાં તેઓ નિષ્ફળ ગયા એટલે હવે તેઓ આવી નાની બાબતોને ઉઠાવી રહ્યા છે.

બાકી જેમને ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીનો જમાનો યાદ હશે તેમને એ પણ યાદ હશે કે પોતાની જાહેરસભાઓમાં એમણે ક્યારેય ભારત માતા કી જયનો સુત્રોચ્ચાર નહોતો કરાવ્યો, તેમણે પોતાના ભાષણના અંતે માત્ર જય હિન્દનો જ નારો લગાવ્યો હતો. મજાની વાત એ છે કે આ જય હિન્દ પણ કોંગ્રેસનો નહીં પરંતુ નેતાજી સુભાષચંદ્ર બોઝનો નારો હતો જે તેઓ આઝાદ હિન્દ ફોજની સભાઓમાં કાયમ બોલતા હતા.

આમ કોંગ્રેસની માનસિકતા સામે આવી ગઈ છે કે દેશ ચલાવવાનો અધિકાર ફક્ત તેનો જ છે અને દેશમાં કોઇપણ સારી બાબત બને તો તેની પાછળ તેનો જ હાથ છે.