Featured|ગુજરાતગુજરાત

હવે હાર્દિકમાં હિંમત હોય તો 5000 પાટીદારો ભેગા કરી બતાવે: લાલજી પટેલ

હવે હાર્દિકમાં હિંમત હોય તો 5000 પાટીદારો ભેગા કરી બતાવે: લાલજી પટેલ

પાટીદાર આંદોલનના બે સહુથી જાણીતા ચહેરાઓ હાર્દિક પટેલ અને લાલજી પટેલ વચ્ચેનો મતભેદ  જગજાહેર છે. આજે એક તરફ હાર્દિક પટેલ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઈ રહ્યો હતો ત્યારે બીજી તરફ લાલજી પટેલે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને હાર્દિક પટેલને પડકાર ફેંક્યો હતો.

લાલજી પટેલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હવે જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયો છે ત્યારે હું તેને પડકાર ફેંકુ છું કે તેનામાં તાકાત હોય તો 5000 પાટીદારોને પણ ભેગા કરી બતાવે. આ અગાઉ બે દિવસ અગાઉ પણ લાલજી પટેલે જાહેરમાં કહ્યું હતું કે જો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે તો તે પાટીદાર સમાજ સાથે દ્રોહ કરશે.

હાર્દિક પટેલની લોકસભાની ચૂંટણી લડવા અંગેની વાત પર લાલજી પટેલે કહ્યું હતું કે તે જ્યાંથી પણ ચૂંટણી લડશે અમે ત્યાં જઈને તેનો વિરોધ કરીશું અને તેનામાં તાકાત નથી કે તે 5000 પાટીદારોને પણ ભેગા કરી શકે.

આમ તો હાર્દિક પટેલની બહુ ગાજેલી GMDCની સભા દરમ્યાન જ આ બંને આગેવાનો વચ્ચેના મતભેદો સામે આવી ગયા હતા. આ સભા શરુ થઇ ત્યારે લાલજી પટેલને મંચ પર સ્થાન આપવામાં આવ્યું ન હતું. આમ થવા પાછળ હાર્દિકની જ જીદ જવાબદાર હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ અન્ય પાટીદાર આગેવાનોએ હાર્દિક પટેલને સમજાવીને લાલજી પટેલને મંચ પર સ્થાન આપ્યું હતું.

થોડા દિવસો અગાઉ હાર્દિક પટેલે અલ્પેશ કથીરિયાને પાસની કમાન સોંપી હતી અને ત્યારેજ ખ્યાલ આવી ગયો હતો કે હાર્દિક પટેલ હવે વહેલો મોડો કોંગ્રેસમાં જોડાશે.

આ તમામ ઘટનાઓ વચ્ચે લાલજી પટેલે હવે જ્યારે હાર્દિક પટેલને ખુલ્લો પડકાર ફેંક્યો છે ત્યારે ચૂંટણીની મૌસમમાં વાતાવરણ જરૂરથી ગરમાયું છે તેમ કહી શકાય.