Featured|દેશFeatured|ગુજરાતગુજરાતદેશ

એક દિલ્હીના કેજરીવાલ અને બીજો ગુજરાતનો હાર્દિક

એક દિલ્હીના કેજરીવાલ અને બીજો ગુજરાતનો હાર્દિક

રાજકારણ બોલીને ફરી જવાનો વિષય ભલે હોય પરંતુ એવા ઓછા રાજકારણીઓ હોય છે જે શરમને નેવે મૂકીને પણ બોલેલું ફરી જતા હોય છે. દેશમાં છેલ્લા છ સાત વર્ષમાં આવા બે રાજકારણીઓ જોવા મળ્યા છે જે જાહેરમાં આપેલા વચનો ધરાર ભૂલી ગયા છે અને આ બે રાજકારણીઓ છે અરવિંદ કેજરીવાલ અને હાર્દિક પટેલ.

યાદ હોય તો જ્યારે અન્ના હઝારેનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચાલતું હતું ત્યારે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેઓ પોતાની ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડત રાજકારણમાં જોડાયા વગર જ ચાલુ રાખશે અને ક્યારેય રાજકારણમાં જોડાશે નહીં. પરંતુ કેજરીવાલ માત્ર રાજકારણમાં જોડાયા જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીની સ્થાપના પણ કરી અને અત્યારે દિલ્હીના મુખ્યમંત્રી પણ છે.

આવી જ રીતે હાર્દિક પટેલ જેણે પાટીદાર આંદોલનની આગેવાની કરી હતી તેણે પણ એક સમયે જાહેરમાં પાટીદાર સમાજને એવું કહ્યું હતું કે જો તમે મને ભાજપ, કોંગ્રેસ કે આપ સાથે જોવો ત્યારે ગદ્દાર ગણજો, ગાળો આપજો. આજે હાર્દિક પટેલ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઈ ગયો છે.

એક દિલ્હીના કેજરીવાલ અને બીજો ગુજરાતનો હાર્દિક

અરવિંદ કેજરીવાલે તો પોતાના સંતાનોના સોગંધ ખાતા કહ્યું હતું કે તેઓ ક્યારેય કોંગ્રેસનો ટેકો લઈને સરકાર નહીં બનાવે, પરંતુ પાંચ વર્ષ પહેલા તેમણે કોંગ્રેસનો ટેકો લઈને દિલ્હીમાં સરકાર બનાવી હતી. આવી જ રીતે હાર્દિક પટેલે પાટીદાર આંદોલનના એક વર્ષ પૂર્ણ થયે જાહેરમાં વચન આપ્યું હતું કે તે કોઈ રાજકીય પાર્ટીમાં નહીં જોડાય અને આજે ત્રિમંદિર ખાતે આયોજિત કોંગ્રેસની રેલીમાં શું થયું તે આખી દુનિયા જાણે છે.

એક દિલ્હીના કેજરીવાલ અને બીજો ગુજરાતનો હાર્દિક

આ પ્રકારના રાજકીય નેતાઓમાં દુરંદેશીનો અભાવ હોય છે. તેમને પણ તરત શું ફાયદો થાય એ જોવા અને જાણવામાં જ વધુ રસ હોય છે. હાર્દિક પટેલને ખરેખર તો પોતાની રાજકીય કારકિર્દી જમાવવી હતી અને એટલેજ તેણે પાટીદાર આંદોલન ઉભું કર્યું હતું. એક સમયે સાયકલની પણ જેને તકલીફ હતી એ આજે ફોર્ચ્યુંનર જેવી મોંઘી કારનો માલિક બની ગયો છે.

હશે, હાર્દિક પટેલને પણ કમાણીના સ્ત્રોત હશે જેમાંથી તે માત્ર ત્રણ વર્ષમાં સારું એવું કમાઈ શક્યો છે, પરંતુ પાટીદાર સમાજના એ યુવાનોનું શું જેમણે દોઢથી બે વર્ષ સુધી પોતાના કામધંધા છોડીને હાર્દિક પટેલની એક હાકલે આંદોલનમાં જોડાઈ ગયા હતા? એ યુવાનોનું શું જે એ બાબતે અજાણ હતા કે બંધારણ અનુસાર પાટીદારોને અનામત મળવું અશક્ય છે તેમ છતાં ભોળેભાવે હાર્દિક પટેલને આંધળો ટેકો આપતા હતા? અને એ યુવાનોનું શું જેઓ પાટીદાર આંદોલનમાં થયેલી હિંસામાં મૃત્યુ પામ્યા હતા?

શું આ બધાની કુરબાનીની સીડી બનાવીને આજે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો છે? આનો જવાબ હાર્દિકના જ પૂર્વ સાથીદારો દિનેશ બાંભણિયા કે પછી લાલજી પટેલના હાલના નિવેદનોમાં જોવા મળે છે, જેમાં આ બંનેએ શબ્દો ચોર્યા વગર કહ્યું છે કે  હાર્દિક પટેલે પાટીદાર સમાજનો દ્રોહ કર્યો છે કારણકે પાટીદાર આંદોલન એ બિનરાજકીય આંદોલન જ હતું પરંતુ હાર્દિક પટેલે પોતાના લાભ માટે તેનો ઉપયોગ કર્યો અને આજે તે આધિકારિક રીતે કોંગ્રેસી બની ગયો છે.

આજે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું છે કે હાર્દિક પટેલ આવનારી લોકસભાની ચૂંટણીઓ લડશે, હવે એ નિર્ણય પાટીદારો અને ગુજરાતના શાણા મતદારોએ લેવાનો  છે કે તેઓ હાર્દિક પટેલને મત આપે છે કે તેને પાઠ ભણાવે છે.