Featured|દેશFeatured|ગુજરાતગુજરાતદેશ

હાર્દીકનો કોંગ્રેસમાં ‘ઓફિશિયલ’ પ્રવેશ; રુપાણીએ કોંગ્રેસને પડકાર ફેંક્યો

હાર્દીકનો કોંગ્રેસમાં ‘ઓફિશિયલ’ પ્રવેશ; રુપાણીએ કોંગ્રેસને પડકાર ફેંક્યો

કોંગ્રેસ પાર્ટીની વર્કિંગ કમિટીની બેઠક આજે અમદાવાદમાં મળી હતી. ત્યારબાદ અમદાવાદ પાસે આવેલા અડલજના ત્રિમંદિર ખાતે કોંગ્રેસની એક જાહેરસભા આયોજિત થઇ હતી. વર્કિંગ કમિટીની બેઠક દરમ્યાન હાર્દિક પટેલ પણ ત્યાં પહોંચી ગયો હતો, પરંતુ તેને કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક જ્યાં ચાલી રહી હતી તેની વેઈટીંગ લાઉન્જમાં બેસવું પડ્યું હતું. બાદમાં ત્રિમંદિર ખાતેની જાહેરસભામાં હાર્દિક પટેલને વિધિવત કોંગ્રેસમાં એન્ટ્રી આપવામાં આવી હતી.

આ દરમ્યાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ કરેલી એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો કે કોંગ્રેસની આજની વર્કિંગ કમિટીની બેઠકમાં જ તે રાહુલ ગાંધીને પોતાના પક્ષના વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર જાહેર કરે. રૂપાણીએ કહ્યું હતું કે કોંગ્રેસની અંદર જ રાહુલ ગાંધી પ્રત્યે નારાજગી વર્તાઈ રહી હોવાથી કોંગ્રેસ વર્કિંગ કમિટી આવી કોઈજ જાહેરાત નહીં કરી શકે.

હાર્દિક પટેલના કોંગ્રેસ પ્રવેશ અંગે વિજય રુપાણીએ કહ્યું હતું કે હાર્દિક પટેલ પહેલેથી જ કોંગ્રેસનું રમકડું હતું તેની બધાને ખબર હતી જ. પરંતુ હવે એ સાબિત પણ થઇ ગયું છે કે હાર્દિકે પોતાના સમાજ સાથે ગદ્દારી કરી છે અને તેનો ચહેરો હવે ખુલ્લો પડી ગયો છે અને હવે પાટીદાર સમાજ જ તેને હરાવશે.

વિજય રુપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ આતંકવાદ અને આતંકવાદીઓ પ્રત્યે ઢીલી નીતિ અપનાવે છે, જ્યારે અત્યારે દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં સુરક્ષિત હોવાનો અનુભવ કરે છે. કોંગ્રેસે વર્કિંગ કમિટીની બેઠક ગુજરાતમાં બોલાવી છે તે દર્શાવે છે કે  ગુજરાત સુરક્ષિત રાજ્ય છે. પરંતુ આ વખતે પણ ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો જીતશે.