Featured|દેશદેશ

કોંગ્રેસના આ આતંકવાદી પ્રેમના મૂળિયાં ખૂબ ઊંડા છે

કોંગ્રેસના આ આતંકવાદી પ્રેમના મૂળિયાં ખૂબ ઊંડા છે

સોમવારે દિલ્હીમાં કોંગ્રેસી કાર્યકર્તાઓને સંબોધન કરતા રાહુલ ગાંધીએ પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ આતંકવાદી મસૂદ અઝહરને મસૂદ અઝહર જી કહીને બોલાવ્યો હતો. રાહુલ ગાંધી આજથી લગભગ વીસ વર્ષ અગાઉ જ્યારે કેટલાક પાકિસ્તાની આતંકવાદીઓ ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઈટનું અપહરણ કરીને અફઘાનિસ્તાનના કંદહાર લઇ ગયા હતા તે કિસ્સાને યાદ કરી રહ્યા હતા.

રાહુલ ગાંધીનું એમ કહેવું હતું કે જે પ્લેનમાં મસૂદ અઝહરને લઇ જવામાં આવ્યો હતો તેમાં હાલના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ પણ સામેલ હતા. આ કિસ્સાને યાદ કરતા રાહુલ ગાંધીએ મસૂદ અઝહરને જી કહીને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીનો દાવો તો સાવ ખોટો હતો જ ઉલટું પોતાનો દાવો રજૂ કરતા તેમનો આતંકવાદીઓ પ્રત્યેનો પ્રેમ પણ ખુલ્લો પડી ગયો હતો.

રાહુલ ગાંધીને કદાચ ખબર નથી પરંતુ કંદહાર હાઈજેક સમયે અજીત દોવલને મુસાફરોના છૂટકારાના ચાર દિવસ અગાઉ જ કંદહાર મોકલી આપવામાં આવ્યા હતા જેથી અપહરણકારો સાથે વાતચીત કરવામાં સરકારને સરળતા રહે નહીં કે મસૂદ અઝહર સાથે તેઓ ગયા હતા. બીજું આતંકવાદીઓને પ્રવાસીઓના બદલામાં છોડી મુકવા અંગે પ્રવાસીઓના કુટુંબીજનોનો વાજપેયી સરકાર પર ભારે દબાણ હતું. આ ઉપરાંત તે સમયના વિપક્ષ કોંગ્રેસ અને અન્ય પક્ષોએ એક સર્વદલીય બેઠકમાં વાજપેયી સરકાર આતંકવાદીઓ ને છોડી મૂકે તેવી સલાહ પણ આપી હતી જેના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ હકીકત તે સમયની કોઇપણ ન્યૂઝ ચેનલના રેકોર્ડ કરેલા ફીડ પરથી જાણી શકાય છે. પરંતુ કાયમની જેમ હકીકતની કોઇપણ ખરાઈ કર્યા વગર લોકોને ગેરમાર્ગે દોરવા એ રાહુલ ગાંધીની આદત રહી છે એ પ્રમાણે તેમણે અજીત દોવલ પર ખોટો આરોપ મૂકી દીધો હતો એવી જ રીતે જે રીતે તેઓ આજદિન સુધી રફેલના મામલે કરી રહ્યા  છે.

પોતાના જ દેશના સુરક્ષા સલાહકાર અજીત દોવલ વિરુદ્ધ ખોટો આરોપ મુકવાની ઉતાવળમાં રાહુલ ગાંધીએ ભારતના દુશ્મન એવા આતંકવાદીને સન્માન આપી દીધું હતું. જો કે રાહુલ ગાંધીથી આ ભૂલથી બોલાઈ ગયું હોય કે પછી તેમની ધ્યાન બહાર આમ થયું હોય તેવી શક્યતા બિલકુલ નથી. અગાઉ પણ કોંગ્રેસી નેતાઓ જેમકે રણદીપ સુરજેવાલા, દિગ્વિજય સિંગ અને સુશીલ કુમાર શિંદે એ અફઝલ ગુરુ, હાફીઝ સઈદ અને મસૂદ અઝહરને માનપૂર્વક બોલાવી ચૂક્યા છે. દિગ્વિજય સિંગે તો આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઓસામા બિન લાદેનને પૂરતું સન્માન આપ્યું હતું.

આમ કોંગ્રેસના નેતાઓનો ભૂતકાળ આ મામલે ખરડાયેલો છે જ અને આતંકવાદીઓને સન્માનજનક ભાષાથી નવાજવાથી તેમને કોઈજ ફરક નથી પડતો. આ સમયે વિચારવાનો મુદ્દો એ પણ છે કે શા માટે મુંબઈ આતંકી હુમલા અને 2004-2014 દરમ્યાન થયેલા વિવિધ આતંકી હુમલાઓ બાદ તે સમયની કોંગ્રેસ સરકારે કોઈ એવા પગલાં ન લીધા જેનાથી આતંકવાદીઓની હિંમત તૂટી જાય? કદાચ તેની પાછળનું કારણ પણ આ જ હોઈ શકે કે કોંગ્રેસ આતંકવાદીઓનું પૂરતું સન્માન કરે છે અને આથી જ તેઓ તેમના વિરુદ્ધ કોઇપણ પ્રકારના આકરા પગલાં લેવાથી બચતા હતા.

વિચારો જો આવી આતંકવાદ તરફી માનસિકતા ધરાવતી કોંગ્રેસ અને એના સાથીદારો આ વખતની ચૂંટણીઓ બાદ પણ સત્તા પર ચડી બેસશે તો આગામી પાંચ વર્ષમાં દેશની શી હાલત થશે? હાલની સરકારે એક નહીં પરંતુ બે વખત પાકિસ્તાનના આતંકી હુમલાઓનો જડબાતોડ જવાબ આપ્યો છે શું એવી હિંમત કોંગ્રેસ કે કહેવાતા મહાગઠબંધનની સરકાર દેખાડી શકશે ખરી?

દેશ સુરક્ષિત રહેશે તો પ્રજા પોતાની શાંતિ અને સુખાકારી વિષે વિચારી શકશે અને તો જ રોજગારી અને વ્યાપાર વ્યવસ્થિત ચાલશે. શું કોંગ્રેસ અને તેના સાથીદારો દેશને એવી જ રીતે સુરક્ષિત રાખી શકશે ખરા જેવી રીતે હાલની સરકારે દેશને સુરક્ષિત રાખ્યો છે?