Featured|ગુજરાતગુજરાત

પરસોત્તમ સાબરિયા ભાજપમાં જોડાયા, કોંગ્રેસની જામનગરમાં પણ વિકેટ પડી

પરસોત્તમ સાબરિયા ભાજપમાં જોડાયા, કોંગ્રેસની જામનગરમાં પણ વિકેટ પડી

ગયા અઠવાડિયે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેનાર ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા આજે વિધિવત ભાજપમાં જોડાઈ ગયા છે. ગાંધીનગર ખાતે ભાજપના રાજ્ય મુખ્યમથક કમલમ ખાતે પરસોત્તમ સાબરિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પરસોત્તમ સાબરિયાની સાથે તેમના એક હજાર જેટલા ટેકેદારો પણ ભાજપમાં જોડાઈ ગયા છે. કમલમ ખાતે સાબરિયાએ બાદમાં મિડિયાને પણ સંબોધન કર્યું હતું.

સાબરિયાએ કહ્યું હતું કે તેઓ કોઇપણ પ્રકારની અપેક્ષા વગર ભાજપમાં જોડાયા છે અને તેમને પક્ષ જે કોઈ પણ જવાબદારી સોંપશે તેને તેઓ રાજીખુશીથી નિભાવશે. સાબરિયાના ભાજપમાં આવવાથી આગામી લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને ધ્રાંગધ્રા અને હળવદ વિસ્તારોમાં મોટો ફાયદો થવાની શક્યતા છે.

પરસોત્તમ સાબરિયાના ભાજપમાં જોડાઈ જવા બાદ કોંગ્રેસ માટે એક બીજા માઠા સમાચાર આવ્યા હતા. જામનગર ગ્રામ્યથી કોંગ્રેસના વિધાનસભ્ય વલ્લભ ધારવિયાએ પણ પોતાના વિધાનસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. વલ્લભ ધારવિયાએ કોંગ્રેસના સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું હોવાના સમાચારો મળી રહ્યા છે.

થોડી જ મીનીટો અગાઉ વલ્લભ ધારવિયા ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષને મળ્યા હતા અને તેમને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું. આમ કોંગ્રેસની સૌરાષ્ટ્રમાં પરિસ્થિતિ વધારે નબળી બની છે. એક તરફ ગઈકાલે લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઇ ચૂકી છે એવામાં ગુજરાત કોંગ્રેસનું ઘર ચારે બાજુએથી બળી રહ્યું છે. આવા સંજોગોમાં કોંગ્રેસ કેવી રીતે લોકસભાની ચૂંટણીઓમાં સારો દેખાવ કરી શકશે એ સવાલ ગુજરાતના મતદારોમાં ચર્ચાનો વિષય બન્યો છે.