Featured|ગુજરાતગુજરાત

રાયોટીંગના ગુનેગાર હાર્દિક પટેલને ‘દેશસેવા’ કરવા કોંગ્રેસમાં જોડાવું છે!

રાયોટીંગના ગુનેગાર હાર્દિક પટેલને ‘દેશસેવા’ કરવા કોંગ્રેસમાં જોડાવું છે!

રવિવારે સાંજે હજી તો ચૂંટણી પંચની લોકસભાની ચૂંટણીઓ જાહેર કરતી પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ પણ નહોતી થઇ કે હાર્દિક પટેલે ટ્વીટ કરી દીધી હતી કે તે કોંગ્રેસમાં જોડાઈને આવનારી લોકસભાની ચૂંટણી લડીને ‘દેશસેવા’ કરવા માંગે છે. પરંતુ અચાનક જ કદાચ એને કશુંક યાદ આવ્યું હોય એમ એક બીજી ટ્વીટ કરતા કહ્યું હતું કે જો કાયદો હા પાડે તો અને કોંગ્રેસ પાર્ટી ઈચ્છે તો જ તે લોકસભાની ચૂંટણી લડશે.

તમને ખ્યાલ જ હશે કે હાર્દિક પટેલ રાયોટીંગના કેસમાં દોષિત સાબિત થયો છે અને તેને બે વર્ષની સજા થઇ છે. બાદમાં ગુજરાત હાઈકોર્ટે તેની સજા મોકૂફ રાખી હતી અને તેને જમીન પર છોડવામાં આવ્યો છે પરંતુ તેનો ગુનો તો હજીસુધી બરકરાર જ છે. સુપ્રિમ કોર્ટના એક આદેશ અનુસાર કોઇપણ વ્યક્તિ જો બે વર્ષ કે તેનાથી વધુની સજા ભોગવી રહ્યો હોય તો તે વિધાનસભ્ય કે સંસદસભ્ય બનવાને લાયક નથી રહેતો.

આમ હાર્દિક પટેલ પણ સુપ્રિમ કોર્ટના એ જ આદેશની પરીઘીમાં આવી જાય છે અને એટલેજ તેણે ગુજરાત હાઈકોર્ટમાં પોતાને લોકસભાની ચૂંટણી લડવા દેવાની મંજૂરી માંગી છે અને આ કેસ હાલમાં પેન્ડિંગ છે. હાર્દિક પટેલ પર ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની મહેસાણા ઓફીસમાં તોડફોડ કરવાનો અને આગચંપી કરવાનો આરોપ હતો જે સિદ્ધ થતા તેને ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો.

મજાની વાત એ છે કે દેશની સંપત્તિને નુકશાન પહોંચાડવાના અને રાયોટીંગના કિસ્સામાં ગુનેગાર સાબિત થનાર વ્યક્તિને હવે ‘દેશસેવા’ કરવાની ઈચ્છા જાગી છે અને એ પણ કોંગ્રેસ પાર્ટી તરફથી. એવું નથી કે કોંગ્રેસમાં જોડાઈને કોઈ વ્યક્તિ દેશસેવા ન કરી શકે પરંતુ આ જ હાર્દિક પટેલે ગુજરાત વિધાનસભાની છેલ્લી ચૂંટણીઓ અગાઉ એવું નિવેદન કર્યું હતું કે કોંગ્રેસ પાટીદારોને અનામત આપવા માંગે છે કે કેમ તે અંગે તેણે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. જો કે રાહુલ ગાંધીએ હજી સુધી આ બાબતે સ્પષ્ટતા કરી નથી તેમ છતાં હાર્દિક પટેલ મોટેભાગે મંગળવારે રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ જશે.

હાર્દિક પટેલ પર એક બીજો કેસ પણ ચાલી રહ્યો છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં હાર્દિક પટેલે કોંગ્રેસના ટેકાથી જીતેલા અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની સાથે બે દિવસ ધરણા કર્યા બાદ અચાનક જ દારૂની કહેવાતી ભઠ્ઠીઓ પર જનતા રેડ કરી હતી. ત્યારબાદ પોલીસે આ ત્રણેય વિરુદ્ધ ખોટા પુરાવા ઉભા કરવાના આરોપ  હેઠળ કેસ દાખલ કર્યો છે.

આમ આવો ગુનાહિત ભૂતકાળ ધરાવતા હાર્દિક પટેલને કોંગ્રેસ બહુ જલ્દીથી પોતાનામાં સમાવી લેવાની છે અને જો હાઈકોર્ટ મંજૂરી આપે તો તેને પોતાની ટીકીટ પર લોકસભાની ચૂંટણી પણ લડાવશે.