Featured|દેશદેશ

લોકસભાની એ 15 VIP બેઠકો જેના પર બધાની નજર રહેશે

લોકસભાની એ 15 VIP બેઠકો જેના પર બધાની નજર રહેશે

લોકસભાની ચૂંટણીઓના પડઘમ વાગી ગયા છે. હજી ગઈકાલે જ ચૂંટણી પંચે આવનારી લોકસભાની ચૂંટણીઓની જાહેરાત કરી દીધી છે અને હજી દરેક રાજકીય પક્ષ કઈ બેઠકથી કોને ઉમેદવાર બનાવશે તેની જાહેરાત થવામાં વાર છે. પરંતુ લોકસભાની એવી 15 ખાસ બેઠકો છે જ્યાંથી કાયમ VIP ઉમેદવારો મેદાનમાં ઉતરતા હોય છે અથવાતો એમના એ જગ્યાએ ચૂંટણી લડવાથી એ બેઠક VIP બેઠક બની જતી હોય છે. આવી 15 VIP બેઠકો છે જેના પર તમામની નજર રહેશે. તો ચાલો જાણીએ એ 15 VIP બેઠકો વિષે.

વારાણસી: હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બેઠક છે જેમના પર તેઓ ફરીથી ચૂંટણી લડે તેવી પૂરેપૂરી સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ બેઠક પરથી સંસદસભ્ય બન્યા બાદ તેની સિકલ બદલી ગઈ હોવાનું આપણે છેલ્લા ઘણા મહિનાઓથી સાંભળી રહ્યા છીએ.

અમેઠી: કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની પરંપરાગત બેઠક છે જેના પર તેમના પરિવારના સભ્યો એક પછી એક ચૂંટણી લડતા આવ્યા છે. જો કે અમેઠી VIP બેઠક હોવા છતાં વિકાસથી વંચિત રહી ગયું છે. ગયા વખતે ભાજપના સ્મૃતિ ઈરાનીએ અહીં રાહુલ ગાંધીને જબરદસ્ત લડત આપી હતી.

રાયબરેલી: પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ફરીએકવાર આ  બેઠક પર લડશે. રાયબરેલી પણ કોંગ્રેસ પરિવારની બેઠક રહી છે અને અહીં પણ કોઈ ખાસ વિકાસ અત્યારસુધીમાં થયો નથી જે આ વખતે સોનિયા ગાંધી વિરુદ્ધ જઈ શકે તેમ છે.

લખનૌ: ગૃહમંત્રી રાજનાથ સિંગ આ બેઠક પર 2014માં ભવ્ય વિજય મેળવીને આવ્યા હતા. આ અગાઉ અહીં પૂર્વ વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયી ચૂંટણી લડતા આવ્યા હતા આમ આ બેઠકનું પણ ઘણું મહત્ત્વ છે.

વડોદરા: ગત લોકસભા ચૂંટણીમાં અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેકોર્ડ તોડ મતે જીત્યા હતા, પરંતુ બાદમાં તેમણે વડોદરાથી રાજીનામું આપી દીધું હતું અને વારાણસી બેઠક જાળવી રાખી હતી. આ વખતે પણ નરેન્દ્ર મોદી ફરી એકવાર જો બે બેઠકો પરથી લડશે તો વડોદરા તે બીજી બેઠક બની શકે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.

ગાંધીનગર: ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી અહીં છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી ચૂંટાતા આવ્યા છે. જો કે ગયા વખતે નવા સિમાંકનને લીધે આ બેઠકમાં નવા વિસ્તારો ઉમેરાયા હતા પરંતુ તેમ છતાં અડવાણીએ પોતાની વિજયી પરંપરા જાળવી રાખી હતી.

પીલીભીત: મેનકા ગાંધીની આ પરંપરાગત બેઠક છે. અહીં તેઓ ભૂતકાળમાં જનતા દળની ટીકીટ પરથી પણ ચૂંટાઈ આવ્યા હતા અને છેલ્લી કેટલીક ટર્મથી ભાજપની ટીકીટથી ચૂંટાય છે.

અમૃતસર: ગયા વખતે નાણામંત્રી અરુણ જેટલી અહીંથી લડ્યા હતા અને ભાજપની આંધીમાં પણ હારી ગયા હતા. આ વખતે પંજાબ કોંગ્રેસના નેતાઓ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંગને અહીંથી લડાવવા માંગે છે અને આ માટે તેઓ મનમોહન સિંગને મળ્યા પણ છે.

સુલ્તાનપુર: મેનકા ગાંધીના પુત્ર વરુણ ગાંધીની આ બેઠક છે જ્યાંથી તેઓ ચૂંટાતા આવે છે. મોટા કદના નેતા હોવા છતાં વરુણ ગાંધીએ આ વખતે લાઇમલાઇટમાં આવવાથી દૂર રહેવાનું જ પસંદ કર્યું છે.

મૈનપુરી અને આઝમગઢ: આ બંને બેઠકો પર સમાજવાદી પાર્ટીનો વર્ષોથી દબદબો રહ્યો છે. મૈનપુરી મુલાયમ સિંગ યાદવની બેઠક રહી છે, તો ગયે વખતે તેમણે આઝમગઢથી પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું અને બંને બેઠકો પરથી જીત્યા હતા. આ વખતે પુત્ર સાથે ક્લેશ હોવાને લીધે મુલાયમ બે માંથી માત્ર એક જ બેઠક પર લડે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે.

કન્નોજ: મુલાયમ સિંગના પુત્રવધુ અને સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા અખિલેશ યાદવના પત્ની ડીમ્પલ યાદવ અહીંથી ચૂંટણી જીત્યા હતા. પરંતુ આ વખતે એવા સમાચાર આવી રહ્યા છે કે ડીમ્પલને ફરીથી ચૂંટણી લડવાની ઈચ્છા નથી.

ઝાંસી: કેન્દ્રીયમંત્રી ઉમા ભારતી ગયા વખતે અહીં ચૂંટણી જીત્યા હતા અને બુંદેલખંડના વિકાસ માટે તેમણે ઘણું કાર્ય કર્યું હોવાનું જાણવામાં આવ્યું છે.

કાનપુર: ભાજપના એક અન્ય વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને ગયા વખતે તેમની પરંપરાગત અલ્હાબાદ બેઠકથી ખસેડીને અહીં ટીકીટ આપવામાં આવી હતી અને તેઓ અહીં પણ જીત્યા હતા.