Featured|દેશદેશ

વાહ રાહુલ બાબા! શું તમારી ‘લોકપ્રિયતા’ છે? આફરીન!

વાહ રાહુલ બાબા! શું તમારી ‘લોકપ્રિયતા’ છે? આફરીન!

લોકસભાની ચૂંટણી થવામાં હવે બસ થોડા જ દિવસો બાકી રહી ગયા છે. આ એવો સમય છે જ્યારે દરેક રાજકીય પક્ષનો નેતા પોતાની લોકપ્રિયતા દિવસે ન વધે તેટલી રાત્રે વધે એવી કોશિશ કરતો હોય છે. એક જરાક અમથી ભૂલ અને નેતાની લોકપ્રિયતા જો તળીએ જઈને બેસી જાય તો તેનું ચૂંટાવું તો અઘરું થઇ જ જાય છે પરંતુ તેની આબરૂ પણ તળીએ જાય છે. પરંતુ જો આ સમયે એટલેકે ચૂંટણીના અમુક જ દિવસ અગાઉ સતત કોઈ નેતાની લોકપ્રિયતા નીચે જવા લાગે તો?

આવા જ એક આગેવાન છે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, જેમની લોકપ્રિયતામાં 2019ના વર્ષની શરૂઆતથી સતત ઘટાડો  નોંધવા પામ્યો છે. એક ટીવી ચેનલ દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર આ નવા વર્ષના પહેલા દિવસે રાહુલ ગાંધીની લોકપ્રિયતા 26% હતી, જ્યારે બજેટના દિવસે એટલેકે 1 ફેબ્રુઆરીએ તે ઘટીને 22% થઇ, 14 ફેબ્રુઆરી જે દિવસે પુલવામા હુમલો થયો ત્યારે તેમાં સહેજ વધારો થતા તે 23% થઇ હતી.

ત્યારબાદ રાહુલ ગાંધીએ શરૂઆતમાં પોતે સેના અને સરકાર સાથે છે એમ કહ્યું અને પછી તેઓ અને તેમના પ્રવક્તાઓ સરકારની ટીકા કરવા લાગ્યા હતા. મોદી સરકારે બાર દિવસનો સમય લીધા બાદ 26 ફેબ્રુઆરી વહેલી સવારે પાકિસ્તાનના ત્રણ ઠેકાણાંઓ પર એરસ્ટ્રાઈક કરીને આતંકવાદી કેમ્પ નેસ્તનાબૂદ કરી દીધા. આ દિવસે રાહુલ ગાંધીની લોકપ્રિયતામાં ભારે ઘટાડો આવ્યો અને તે 19% થઇ ગઈ. ત્યારબાદ 1 માર્ચે જ્યારે વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનથી પરત આવ્યા ત્યારે રાહુલ ગાંધીની લોકપ્રિયતા 18% થઇ ગઈ હતી.

આ દિવસથી જ રાહુલ ગાંધી સતત સરકાર પાસે સીધી અને આડકતરી રીતે એરસ્ટ્રાઈક અંગેના પૂરાવાઓ માંગી રહ્યા છે અને બે દિવસ અગાઉ જ્યારે ફરીથી રાહુલ ગાંધીની લોકપ્રિયતાનું માપ કાઢવામાં આવ્યું ત્યારે તે વધુ ઘટીને 16% થઇ ગઈ હતી.

ઉપરોક્ત આંકડાઓ પરથી સાબિત થાય છે કે જનતા સરકાર અને સેના સાથે છે અને સેનાની બહાદુરીના પુરાવા માંગનારાઓને તે ભૂલવા લાગે છે અને તેમને સબક શિખવાડવાનું તે નક્કી કરી ચૂકી છે. લોકસભાની ચૂંટણીઓની જાહેરાત થવામાં હવે જ્યારે થોડા જ દિવસો બાકી છે ત્યારે આ પ્રકારે ઘટતી જતી લોકપ્રિયતા રાહુલ ગાંધી માટે ખરેખર ચિંતાનો વિષય કહેવાય.

જો તમને સવાલ થતો હોય કે રાહુલ ગાંધીની લોકપ્રિયતા ઘટી રહી છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વિષે શું? તો આ જ ટીવી ચેનલ દ્વારા કરવામાં આવેલા સરવેમાં નરેન્દ્ર મોદી વિષેના પરિણામો આ મુજબ રહ્યા હતા.

1 જાન્યુઆરીએ મોદીની લોકપ્રિયતા 47% જેટલી હતી, બજેટના દિવસે તે વધીને 49% થઇ, પુલવામા હુમલાના દિવસે પણ તેમાં વધારો થયો અને તે 50% થઇ. પરંતુ જ્યારે વડાપ્રધાને કહ્યું કે આતંકવાદીઓએ ગંભીર ભૂલ કરી છે અને તેમણે પસ્તાવો થશે તેવા પગલાં ભારત લેશે અને બાદમાં 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ એરસ્ટ્રાઈક કરી તે દિવસે વડાપ્રધાનની લોકપ્રિયતામાં વધારો થયો અને તે 55% સુધી પહોંચી.

પોતાની રાજકીય કુનેહ અને વૈશ્વિક મુત્સદીગીરી દર્શાવી પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ લાવી અને માત્ર 60 કલાકમાં જ વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાનની કેદમાંથી ભારત પરત લાવ્યા બાદ વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા વધીને 58% થઇ હતી અને બે દિવસ અગાઉ તેમાં વધારો થઈને તે 62% થઇ હતી.

આમ ન્યૂ ઇન્ડિયા અત્યારે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપનાર વડાપ્રધાનની પડખે ઉભું રહ્યું છે તે આ સરવે પરથી સાબિત થાય છે.