Featured|ગુજરાતગુજરાત

હાર્દિક જો કોંગ્રેસમાં જોડાશે તો પાટીદારો સાથે વિશ્વાસઘાત થશે: લાલજી પટેલ

હાર્દિક જો કોંગ્રેસમાં જોડાશે તો પાટીદારો સાથે વિશ્વાસઘાત થશે: લાલજી પટેલ

આવનારા અઠવાડિયામાં ગમે ત્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ વર્તાઈ રહી છે. હાર્દિક પટેલે ખુદે આ મામલે હકારાત્મક સંકેતો આપ્યા છે. પરંતુ, હાર્દિક પટેલના જૂના સાથીદાર અને પાટીદાર આંદોલનના મુખ્ય આગેવાનોમાંથી એક એવા લાલજી પટેલે હાર્દિક પટેલના આ નિર્ણયનો વિરોધ કર્યો છે.

એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં લાલજી પટેલે કહ્યું છે કે પાટીદાર સમાજના અધૂરા કાર્યો હજી પૂર્ણ થયા નથી. તેઓ અને હાર્દિક પટેલ જે મુદ્દાને લઈને આગળ આવ્યા હતા એ મુદ્દાનું હજીપણ સમાધાન થવું બાકી છે. આવા સમયે હાર્દિક પટેલ જો કોંગ્રેસમાં જોડાઈને સક્રિય રાજકારણમાં જોડાય તો તે યોગ્ય નથી.

લાલજી પટેલે એમ પણ કહ્યું હતું કે જ્યારે તેમણે અને હાર્દિક પટેલે પાટીદાર આંદોલન શરુ કર્યું હતું ત્યારે તેને કોઇપણ પ્રકારની રાજકીય મહેચ્છાથી દૂર રાખીને માત્ર આંદોલન પૂરતું જ સીમિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને હાર્દિક પટેલે તો એ સમયે જાહેરમાં પણ કહ્યું હતું કે તે કોઇપણ રાજકીય પક્ષનો હિસ્સો નહીં બને. આવા સંજોગોમાં હવે જો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે તો તેણે પાટીદાર સમાજનો વિશ્વાસઘાત કર્યો છે એવી લાગણી પાટીદાર સમાજમાં જણાય તો તે યોગ્ય જ હશે.

અગાઉ પણ હાર્દિક પટેલના આંદોલનના તેમજ પાસના કાર્યકર્તાઓએ હાર્દિકના રાજકારણમાં જોડાવા અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પાસના મોટા કહી શકાય તેવા એક અન્ય આગેવાન દિનેશ બાંભણિયાએ પણ ખુલ્લેઆમ હાર્દિકની રાજકારણમાં આવવાની અને ખાસકરીને કોંગ્રેસમાં જોડાઈ જવાની હિલચાલની આકરા શબ્દોમાં ટીકા કરતા તે પાટીદાર સમાજનો વિશ્વાસઘાત કર્યો છે અને સમગ્ર સમાજ સાથે તેણે છેતરપિંડી કરી છે એમ કહ્યું હતું.

આમ હાર્દિક પટેલ જેની કદાચ શરૂઆતથી જ ઈચ્છા રહી હતી કે તે પાટીદાર આંદોલનના સહારે પોતાની રાજકીય મહેચ્છાઓ પૂર્ણ કરે તે હવે ધીરેધીરે સાબિત થઇ રહ્યું છે અને આ વાત તેના જ પૂર્વ સાથીઓ લાલજી પટેલ અને દિનેશ બાંભણિયા સામે લાવી રહ્યા છે. સવાલ એ પાટીદાર યુવાનોનો પણ છે જેણે હાર્દિકની વાતમાં આવીને પોતાના જીવનના અમૂલ્ય ત્રણ વર્ષો પોતાના સમાજને ન્યાય અપાવવાના હેતુથી ખર્ચી નાખ્યા હતા માત્ર એમ સમજીને કે આ માત્ર સમાજ માટેનું આંદોલન છે. જ્યારે હાર્દિક પટેલ આ જ પાટીદાર યુવાનોની નિસરણી બનાવીને પોતાની રાજકીય મહેચ્છા સંતોષી રહ્યો હોવાની લાગણી અત્યારે પાટીદાર સમાજમાં વર્તાઈ રહી છે.